સુરત : હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ દ્વારા 40 હજારનું ઇન્જેક્શન 2.70 લાખમાં વેચવાના પ્લાનનો કેવી રીતે થયો પર્દાફાશ ? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : હાલમાં કોરોના કાળમાં કેટલાક કાળાબજારિયાઓ દ્વારા દર્દીઓની જરૂરિયાત નો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે અને ઇન્જેક્શનો ની કાળાબજારી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાંથી વધુ એક ઇન્જેક્શન ની કાળાબજારી નો પર્દાફાશ થયો છે. જેમાં સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પિટલની નર્સનું ઇન્જેક્શન વેચવાનું કૌભાંડ પકડાયું છે. આ નર્સ દ્વારા 40000 નું ટોસિલિઝુમેબ ઇન્જેક્શન2.70 લાખમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું છે.
પ્રાપ્ત મીડિયા અહેવાલો મુજબ, સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલની નર્સ હેતલ કથિરિયાએ બજારમાં રૂા.35 થી 40 હજારની કિંમતે મળતા ટોસિલિઝુમેબનો સોદો રૂા.3 લાખમાં કર્યો હતો. રકઝકના અંતે 2.70 લાખમાં સોદો ફાઈનલ કર્યો હતો. ત્યારે નર્સે તેના પિતા રસિક કથીરિયાને ઈન્જેક્શનની ડિલીવરી માટે એક ખાનગી હોસ્પિટલની નીચે મોકલ્યા હતા. તેમની સાથે વ્રજેશ મહેતા નામનો શખ્સ પણ હતો. તો બીજી બાજુ આ કૌભાંડને ઝડપી પાડવા માટે સુરત એસઓજી પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો અને આ કૌભાંડ ખુલ્લુ પાડ્યું છે. સાગરિત વ્રજેશ મહેતાની પણ અટકાયત કરી છે. આ દિશામાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.