તસવીર બોલે છે / સુરત ખાતે PM મોદી ના કાર્યક્રમમાં પાટીલ - સંઘવી કેન્દ્રમાં જ્યારે પંચાલ ચર્ચાના કેન્દ્રમાં ?
સુરતના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની ભૂમિકા મર્યાદિત રહી ? ચર્ચાતો સવાલ
પ્રધાનમંત્રી ની સંઘવી અને પાટીલ સાથે દેખાતી આત્મીયતા અને પંચાલને ભાષણનો અવકાશ ન મળતા રાજકીય વર્તુળોમાં અનેક અટકળો
પ્રધાનમંત્રી મોદી અન્ય નેતાઓ સાથે હળવા સંવાદમાં, જ્યારે પંચાલ સાથે માત્ર ઔપચારિક અભિવાદનના દૃશ્યો !
રાજકીય વર્તુળોમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું પંચાલની ભૂમિકા માત્ર ઔપચારિક બની રહી કે પછી કાર્યક્રમની પ્રોટોકોલ મુજબ જ આ વ્યવસ્થા કરવામાં આવી હતી?
મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના & દિખા સો લિખા) : રાજકારણમાં ઘણી વખત શબ્દો કરતાં દૃશ્યો વધુ બોલતા હોય છે ત્યારે સુરતના ઇન્દોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમ માં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંચ પર કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ખુશમિજાજ અંદાજમાં સંવાદ કરતા જોવા મળ્યા હતા. આ સંદર્ભે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની ભૂમિકા મર્યાદિત રહી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. પ્રદેશ પ્રમુખ હોવા છતાં તેમને કાર્યક્રમમાં સંબોધન કરવાની તક મળી નહોતી. સામે આવેલી તસવીરોમાં પણ પંચાલ સાથે માત્ર ઔપચારિક અભિવાદનના દૃશ્યો જ જોવા મળે છે.

રાજકીય નિરીક્ષકો યાદ અપાવે છે કે છેલ્લા કેટલાક સમયથી જગદીશ પંચાલ પોતાના કેટલાક નિવેદનોને કારણે પણ વિવાદોમાં રહ્યા છે. બનાસકાંઠામાં કોંગ્રેસના સાંસદ ગનીબેન ઠાકોર અંગે આપેલા એક નિવેદન બાદ સ્થાનિક સ્તરે વિરોધના સ્વર ઉઠ્યા હતા.

જોકે માત્ર એક કાર્યક્રમના આધારે કોઈ અંતિમ રાજકીય તારણ કાઢવું યોગ્ય નથી, પરંતુ સુરતના મંચ પરથી સામે આવેલા દૃશ્યો એટલું તો જરૂર કહી જાય છે કે હાલ દક્ષિણ ગુજરાતમાં ભાજપમાં સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીનું રાજકીય વજન સ્પષ્ટપણે નજરે પડે છે, જ્યારે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલને લઈને ચર્ચા અને પ્રશ્નો બંને યથાવત છે. રાજકારણમાં સંદેશા ઘણી વખત શબ્દોથી નહીં, પરંતુ મંચ પર મળતા સ્થાનથી પણ સમજાઈ જતા હોય છે.એટલું જ નહી , રાજકારણમાં ઘણી વખત શબ્દો કરતાં તસવીરો વધુ બોલતી હોય છે, અને હાલમાં આ તસવીરો જ અનેક સવાલો ઉભા કરી રહી છે !