ઊંઝા : શું નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર રહેશે ? ચર્ચાતો સવાલ
પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા સામે વાસ્તવિક સ્થિતિ પર પ્રશ્નચિહ્ન
કેટલાક વોર્ડ માં ગટર અને વરસાદી પાણીના નિકાલની ગંભીર સમસ્યા
અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ નહીં
ગટર વ્યવસ્થાના અભાવે સ્વચ્છતા અભિયાન પર પણ સવાલ
નવનિયુક્ત પાલિકા પ્રમુખની કામગીરી અંગે સ્થાનિકોમાં અસંતોષ
ચોમાસા પહેલાં તાત્કાલિક કાર્યવાહી કરવાની રહીશોની માંગ.
ઊંઝા એસટી સ્ટેન્ડ પાસે શહેરમાં જવાનું છે નાળું છે તે વધારે વરસાદ પડતા ભરાઈ જાય છે. જેને પરિણામે વાહન વ્યવહાર થંભી જાય છે. શું તેનો કોઈ ચોક્કસ ઉકેલ આવશે ખરા ? જનતા માગે જવાબ
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : ઊંઝા શહેરમાં ચોમાસાની ઋતુના આગમન પહેલાં નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં સ્થિતિ તેના વિપરીત જોવા મળી રહી છે. ખાસ કરીને વોર્ડ નંબર-4 સહિત કેટલાક વિસ્તારો માં ગટરનું પાણી અને વરસાદી પાણીના નિકાલની ગંભીર સમસ્યા હોવાની ચર્ચા મુદ્દે સ્થાનિક રહીશોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
ચર્ચાઓ મુજબ વિસ્તારમાં ગટર લાઈનોની અપૂરતી વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય આયોજનના અભાવે વારંવાર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. નગરપાલિકા સમક્ષ રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. રહીશોના કહેવા મુજબ તેમની ફરિયાદો ફક્ત કાગળો સુધી મર્યાદિત રહી છે અને મેદાનમાં કોઈ અસરકારક કામગીરી જોવા મળતી નથી.
ચોમાસું નજીક આવી રહ્યું હોવા છતાં અનેક વોર્ડમાં ગટર સફાઈ, ડ્રેનેજ લાઈનની જાળવણી અને વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી કામગીરી ન થતા સ્થાનિકોમાં ચિંતા વધી રહી છે. જો ભારે વરસાદ પડશે તો રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે મજબૂત ગટર વ્યવસ્થા સૌથી મહત્વપૂર્ણ ગણાય છે, પરંતુ ઊંઝાના અનેક વિસ્તારોમાં ગટર સંબંધિત પ્રશ્નો સતત સામે આવી રહ્યા છે. ગંદુ પાણી રોડ પર ફરી વળવાની ઘટનાઓ અને ગટર ચોકઅપની ફરિયાદો પણ વારંવાર ઉઠતી રહી છે, જેના કારણે નગરપાલિકાની સફાઈ વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.
તાજેતરમાં નવનિયુક્ત પાલિકા પ્રમુખે શહેરના વિકાસ અને જનસુવિધાઓમાં સુધારાના વાયદા કર્યા હતા. રહીશોની સમસ્યાઓ હજુ પણ યથાવત રહેતા હવે તેમની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનું માનવું છે કે માત્ર કામગીરી કાગળ ઉપર રહેવાને બદલે જમીન સ્તરે દેખાવી જોઈએ. ગટર અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તથા પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓને વાસ્તવિક કામગીરીમાં પરિવર્તિત કરે. અન્યથા ચોમાસા દરમિયાન નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.