ગુજરાત ભાજપ સંગઠન અને મંત્રીમંડળમાં આવી શકે છે મોટો ફેરફાર ? ઉત્તર ગુજરાત માંથી કોનું પત્તું કપાઈ શકે છે ? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ગુજરાતની સતત બે વખત મુલાકાત લીધી હતી તે દરમિયાન તેમણે સંગઠનના નેતાઓ સાથે ગુફ્કતેગુ પણ કરી હતી અને ગંભીર વિષયો પર ચર્ચા કરી હોવાની અટકળો તેજ બની રહી છે. ત્યારે આવનાર સમયમાં દેવ દિવાળી પછી કદાચ પ્રદેશ પ્રમુખ સહિત ભાજપ સંગઠન અને સરકારમાં મોટા ફેરફારો આવવાની અટકળો ચાલી રહી છે.
ચર્ચાતી વિગતો મુજબ ગુજરાત ભાજપમાં કાર્યકરોમાં છૂપો રોષ પ્રવર્તી રહ્યો છે. સમય અગાઉ યોજાયેલી સહકારી સંસ્થાઓમાં ભાજપમાં જ બળવો થયો હતો જેને લઈને શિસ્ત વાળી પાર્ટીની પોલ ખુલી ગઈ હતી. ત્યારે બીજી બાજુ સરકારની કામગીરીથી પણ લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે કારણ કે મહાનગરોમાં ભાજપનું શાસન હોવા છતાં પણ રોડ રસ્તા ના ઠેકાણા નથી તો બીજી બાજુ સરકારના મંત્રીઓ ની કામગીરી પણ નબળી પડી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આવનાર સમયમાં કદાચ દેવ દિવાળી બાદ ભાજપ સંગઠન અને સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફારોની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે ચર્ચાતી વિગતો મુજબ ઉત્તર ગુજરાતમાંથી એક મંત્રી નું મંત્રી પદ જોખમમાં હોવાનું ચર્ચા રહ્યું છે. તો બીજી બાજુ નિષ્ક્રિય બનેલા મંત્રીઓના મંત્રી પદો પણ ખતરામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે સુરતથી ગૃહ મંત્રી હર્ષ સંઘવી ની કામગીરી પ્રશંસનીય બની રહી છે, ત્યારે મંત્રીમંડળ માં જો ફેરફાર થાય તો વિવિધ મંત્રીઓના ખાતાઓમાં બદલાવ આવશે કે કેમ તેને લઈને પણ અનેક અટકળો છે.