સુરત : ભારે વરસાદને પગલે મ્યુનિસિપલ કમિશ્નર એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યા આદેશ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ ) : ગઈકાલે સાંજથી સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થતા સુરત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો શહેરના પોશ એરિયામાં પણ સ્વિમિંગ પૂલ જેવા દ્રશ્યો જવા મળ્યા હતા.જેને લઈને અનેક વાહન ચાલકો ફસાયા હતા. તો વળી કેટલાક વાહનચાલકોએ રસ્તામાં વચ્ચે જ પોતાના વાહનો મૂકી દઈને ઘરે પાછા ફરવાની નોબત આવી હતી. ઠેર ઠેર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા.
ત્યારે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ આજરોજ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે આઈ.સી.સી.સી સેન્ટર ખાતે તમામ ઝોનના વિભાગીય વડાશ્રીઓ અને ઝોનલ અધિકારીશ્રીઓ સાથે મિટીંગ યોજી હતી. જેમાં છેલ્લાં ૨૪ કલાક દરમ્યાન થયેલ અતિભારે વરસાદના કારણે સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન વિસ્તારમાં કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી તથા હવામાન વિભાગની વરસાદના રેડ એલર્ટ અન્વયે આગામી સમયમા જરૂરી પૂર્વ તૈયારીઓ કરવાના ભાગરૂપે એકશન પ્લાન તૈયાર કરી તાકીદે કામગીરી કરવા સુચના આપી હતી.
શહેરના નીચાણવાળા અને ખાડી વિસ્તારોમાં જરૂર પડયે અસરગ્રસ્તોને સ્થળાતંર કરાવવાની વ્યવસ્થા કરવી.
શહેરના નીચાણવાળા અને ખાડી વિસ્તારોમાં જરૂર પડયે લાઉડસ્પીકરથી સુચનાઓ આપવી.
તમામ ઝોનના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલ પાણીની તાકીદે નિકાલ અને સાફ-સફાઈની કામગીરી તેમજ દવાનો છટંકાવ કરાવવો.
શહેરના તમામ વિસ્તારોમાં પડી ગયેલ ઝાડનો તાકીદે નિકાલ કરી રસ્તાઓ ખુલ્લા કરવા.
વીજ પુરવઠો ન ખોરવાઈ તે માટે ડી.જી.વી.સી.એલ અને ટોરેન્ટ પાવરના સંકલનમાં રહી કામગીરી કરવી.
શહેરમાં આવેલ ગરનાળા, અંડરપાસમાં પાણી ભરાયા હોય ત્યાં બેરીકેટ લગાડી લોકોની અવરજવર રોકવી.
આગોતરા આયોજનના ભાગરૂપે ડ્રેનેજ વિભાગ,ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ,ગાર્ડન વિભાગની,હાઈડ્રોલિક વિભાગની તમામ મશીનરી અને કર્મચારીની ટીમો તૈયાર રાખવી જેથી તાકીદે કામગીરી કરી શકાય.
વડીલો,નાના બાળકો, સર્ગભા મહિલાઓએ બિનજરૂરી બહાર ન નીકળવા તથા નદી ખાડી અને પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારોમા જવાનું ટાળવા સુચના આપી હતી.