ઊંઝા :નગર પાલિકાના પદાધિકારીઓના સન્માન સમારંભ પોસ્ટરમાં ધારાસભ્યની બાદબાકી ? સંયોગ કે રાજકીય સંકેત?

ઊંઝા :નગર પાલિકાના પદાધિકારીઓના સન્માન સમારંભ પોસ્ટરમાં ધારાસભ્યની બાદબાકી ?  સંયોગ કે રાજકીય સંકેત?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (દિખા સો લિખા & સુના સો ચુના ) ઊંઝા શહેરમાં તાનારીરી કરાઓકે ક્લબ દ્વારા આયોજિત ઊંઝા નગરપાલિકાના નવ નિયુક્ત સભ્યોના સન્માન સમારોહ અને સંગીત સંધ્યાના પોસ્ટરને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો માહોલ સર્જાયો છે. જાહેર થયેલા પોસ્ટરમાં ઊંઝાના ધારાસભ્ય કે.કે. પટેલ નું નામ ક્યાંય જોવા મળતું નથી.

નગરપાલિકાની ચૂંટણી બાદ વિવિધ હોદ્દાઓની વરણીને લઈને પહેલેથી જ ભાજપના આંતરિક અસંતોષની ચર્ચાઓ ચાલી રહી છે. આવા સમયે આયોજિત સન્માન સમારોહના પોસ્ટરમાં ધારાસભ્ય ના નામની બાદબાકી થતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. સ્થાનિક રાજકીય વર્તુળોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આ માત્ર આયોજકોની ચૂક છે કે પછી કોઈ રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ?

રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે ઊંઝા નગરપાલિકા અને સ્થાનિક ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા મતભેદોની ચર્ચાઓ વચ્ચે આ ઘટના વધુ મહત્વ ધરાવે છે. ખાસ કરીને નગરપાલિકાના હોદ્દાઓની ફાળવણી દરમિયાન સર્જાયેલા વિવાદો બાદ આવી બાદબાકી ચર્ચાનો વિષય બની છે.

જોકે કાર્યક્રમના આયોજકો તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેમ છતાં શહેરમાં પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. હવે આયોજકો અથવા ભાજપના સ્થાનિક નેતાઓ તરફથી આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવામાં આવે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે.."પોસ્ટરમાં ધારાસભ્યની બાદબાકી માત્ર સંયોગ કે રાજકીય સંકેત?" — આ સવાલ હાલ ઊંઝાના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.