ઊંઝા : પાલિકામાં હોદ્દા વરણી મુદ્દે શહેર પ્રમુખ સામે ભભૂક્યો રોષ! વાયરલ ફોટોને લઈ રાજકીય ગરમાવો
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના & દિખા સો લિખા) : ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દાઓની વરણીને લઈને આંટા કડવા પાટીદાર સમાજની બાદબાકી થઈ હોવાના મુદ્દે સમાજના લોકોમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ મુદ્દે સ્થાનિક સ્તરે વિવિધ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.

તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થયો છે, જેમાં એક બેનર પર ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ સંજય રાવળના ફોટા જોવા મળે છે. જેમાં જાહેર પ્રમુખ ના ફોટા પર ચીરા મારવામાં આવ્યા હોય તેમજ બેનર ફાડવામાં આવ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. વાયરલ થયેલા ફોટાને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.
આ ઘટનાને કેટલાક લોકો દ્વારા સમાજના રોષ અને અસંતોષ સાથે જોડવામાં આવી રહી છે. જોકે વાયરલ થયેલા ફોટાની સત્તાવાર પુષ્ટિ અથવા ઘટનાને લઈને કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી. આ સમગ્ર મામલે હવે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને આગળ શું સ્થિતિ સર્જાય છે તેના પર સૌની નજર રહેલી છે.