ઊંઝા : સ્વમાન ન જળવાય તો રાજનીતિ કરવાનો કોઈ અર્થ નથી ! આનંદીબેન પટેલે સ્વમાન સાચવવા ધરી દીધું હતું રાજીનામું
ઊંઝા ભાજપમાં આંતરિક ઘર્ષણ?
હોદ્દાની ફાળવણીથી રાજકીય ગરમાવો
ધારાસભ્યના નિવેદનથી નવી ચર્ચા શરૂ
સ્વમાન ખાતર પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ પોતાના પદ પરથી આપી દીધું હતું રાજીનામુ
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : ઊંઝા નગરપાલિકામાં વિવિધ હોદ્દાઓની ફાળવણીને લઈને આંટા સમાજમાં ઉભી થયેલી બાદબાકી હવે માત્ર સામાજિક અસંતોષ સુધી મર્યાદિત રહી નથી પરંતુ હવે તેની અસર સ્થાનિક ભાજપની રાજનીતિમાં પણ જોવા મળી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર મામલે ત્યારે વધુ ગરમાવો આવ્યો જ્યારે મુદ્દે પૂછવામાં આવતા ધારાસભ્યએ કહ્યું કે, “આ બધું ઉપરથી નક્કી થતું હોય છે, અમે કહ્યું હોય પરંતુ ઉપરથી બદલી નાખ્યું હોય.”
ધારાસભ્યના આ નિવેદન પછી રાજકીય વર્તુળોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. જો ખરેખર ધારાસભ્યની રજૂઆત હોવા છતાં નિર્ણય બદલાયો હોય તો શું પાર્ટીએ સ્થાનિક નેતૃત્વની વાતને અવગણી છે? શું આ માત્ર નિર્ણય પ્રક્રિયા છે કે પછી ધારાસભ્યની રજૂઆતને બાજુએ મૂકી દેવાનો સંકેત? આવી ચર્ચાઓ હવે લોકમુખે પણ જોર પકડી રહી છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ઊંઝાની રાજનીતિમાં અગાઉના બે દાયકામાં પૂર્વ ધારાસભ્ય માનનીય નારણ કાકા અને સ્વ. ડો. આશાબેન પટેલ જેવા કદાવર નેતાઓએ પોતાના પ્રભાવ અને સ્વમાનને કારણે અલગ ઓળખ ઉભી કરી હતી. સરકાર અને પાર્ટી પણ અનેક વખત તેમની રજૂઆતોને મહત્વ આપવા મજબૂર બની હતી. સત્તા કરતા સ્વમાનને પ્રાથમિકતા આપનાર આ નેતાઓના ઉદાહરણો આજે પણ ચર્ચામાં રહે છે.
આ સંદર્ભમાં હવે સવાલ એ ઊભો થયો છે કે શું વર્તમાન ધારાસભ્ય પણ પોતાના સ્વમાન અને રજૂઆત માટે કડક વલણ અપનાવશે કે પછી પક્ષીય શિસ્ત અને સત્તા જાળવવા માટે આ અવગણનાને કડવા ઘૂંટડાની જેમ પી જશે?
બીજી તરફ રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ધારાસભ્ય દ્વારા સમગ્ર જવાબદારી હાઈ કમાન્ડ ઉપર મૂકીને પોતે રાજકીય રીતે છટકવાનો પ્રયાસ તો નથી થઈ રહ્યો ને? કારણ કે “ઉપરથી નિર્ણય થયો” જેવી વાતે હવે સ્થાનિક રાજકારણમાં નવા અર્થ અને નવા પ્રશ્નોને જન્મ આપ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ વિવાદ માત્ર ચર્ચા સુધી સીમિત રહે છે કે પછી ઊંઝાની રાજનીતિમાં તેનો વધુ મોટો પ્રભાવ જોવા મળે છે.