ઊંઝા : ન.પા. માં વિવિધ હોદ્દાઓની ફાળવણી માં કોણ રાજકીય રમત રમી ગયું ? પાટીદાર સમાજ લાલઘૂમ !
મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના) : ઊંઝા નગર પાલિકા માં વિવિધ મહત્વના હોદ્દાઓ પરની નિમણૂકને લઈને આંટા પાટીદાર સમાજમાં ઉકળતો ચરુ જેવી સ્થિતિ છે, કારણ કે નગરપાલિકામાં 22 સીટો બિનહરીફ બનાવનાર આંટા પાટીદાર સમાજના પ્રતિનિધિઓને જ મહત્વના હોદ્દાઓમાંથી બાકાત રાખવામાં આવ્યા છે ત્યારે આ ઘટનાએ જાણે સમગ્ર સમાજનું અપમાન હોય તેવી સ્થિતિનું નિર્માણ કરતા હવે આંટા પાટીદાર સમાજ માં ભાજપ સામે રોષ ભભુકી રહ્યો છે.
જોકે આ અંગે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા ધારાસભ્યને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે બધું ઉપરથી નક્કી થતું હોય છે. ત્યારે વિવિધ રાજકીય અનુભવ ધરાવતા લોકો પાસેથી મળતી માહિતી મુજબ કોઈપણ પ્રકારના હોદ્દાની નિયુક્તિ પહેલા ધારાસભ્યની સેન્સ સૌથી મહત્વની હોય છે. અને શક્ય હોય ત્યાં સુધી ધારાસભ્યની સેન્સ મુજબ જ મહત્વના મુદ્દાઓની ફાળવણી થતી હોય છે પરંતુ અહીંયા ધારાસભ્ય આ વાતનો ઇન્કાર કરી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક ' માથેથી ખભે 'કરવાવાળી કહેવત યથાર્થ થઈ રહી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થાય છે.
અત્રે નોંધનીય છે કે ઊંઝા નગરપાલિકામાં આજ દિવસ સુધીના ઇતિહાસમાં ક્યારે આટલી બધી સીટો પર બિનહરીફ ઉમેદવારો વિજેતા થયા હોય તેવું ક્યારેય જોવા કે જાણવા મળ્યું નથી. પરંતુ આ વખતે આંટા પાટીદાર સમાજના પ્રતિનિધિઓએ ઊંઝા નગરપાલિકાને સમરસ બનાવવા માટે અથાક પ્રયત્નો કર્યા હતા ત્યારે 22 સીટો બિનહરીફ થવામાં સફળતા મળી હતી. પરંતુ આ જ સમાજ ના પ્રતિનિધિઓની હોદ્દાઓની નિયુક્તિમાં બાદબાકી કરાતા એ ચર્ચાઈ રહ્યું છે કે કોણ પડદા પાછળ આ રાજકીય રમત રમી રહ્યું છે ? એટલું જ નહીં આવનાર સમયમાં કોઈ મોટો રાજકીય ભૂકંપ આવે તો નવાઈ નહીં !