વડનગર : એવું તે શું બન્યું કે મીટીંગ પૂરી થાય એ પહેલાં જ ધારાસભ્ય ચાલતા થયા ? ઊંઝા વાળી થશે કે શું ?
વડનગર માં બે વર્ષ બાદ ધારાસભ્ય મીટીંગ બોલાવી
સ્થાનિક લોકોએ પ્રશ્નોને લઈને રોષ વ્યક્ત કર્યો
ધારાસભ્ય એ સ્થાનિક પ્રશ્નો મુદ્દે નગરપાલિકા પર દોષારોપણ કરતા માહોલ ગરમાયો
પ્રવાસન વિભાગ, શહેરી વિકાસ વિભાગ અને વન વિભાગની ધીમી કામગીરી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો
જવાબો આપવામાં અસમર્થ રહેલ ધારાસભ્ય બીજે મીટીંગ હોવાનું બહારનું બતાવી ચાલતા થયા
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનું વતન વડનગર જેમાં સમાવિષ્ટ છે એ ઊંઝા વિધાનસભાના ધારાસભ્ય છેલ્લા કેટલાય સમયથી સતત વિવાદોમાં રહ્યા છે, ત્યારે તાજેતરમાં જ ઊંઝા એપીએમસીના ચુંટણી પરિણામોમાં ધારાસભ્યની સત્તા લાલસા ને કારણે ભાજપનું મેન્ડેડ મજાક બન્યું હતું. ભાજપ સમર્થક ખેડૂતો અને કાર્યકરોએ ધારાસભ્ય સામે રોષ પ્રગટ કર્યો હતો. ત્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં પણ આગામી નગરપાલિકાની ચૂંટણીઓમાં ઊંઝા વાળી થવાના સંકેતો જોવા મળી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના વતન વડનગર માં બે વર્ષ બાદ ગુજરાતના સૌથી વિવાદી ધારાસભ્ય એ પાલિકા માં અધિકારીઓ અને કાર્યકરોની મિટિંગ બોલાવી હતી,જેમાં સ્થાનિકોએ સ્થાનિક પ્રશ્નોની ઝડી વરસાવતા છેવટે જવાબ આપવામાં અસમર્થ રહેલ ધારાસભ્ય એ નગરપાલિકા ઉપર દોષારોપણ શરૂ કરતાં જ સ્થાનિકો ભડક્યા હતા અને લોકોનો મિજાજ પારખી ગયેલા ધારાસભ્ય છેવટે મીટીંગ પૂરી થાય તે પહેલા જ સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના વતન વડનગરમાં હાલમાં પ્રવાસન વિભાગ, શહેરી વિભાગ, વન વિભાગ દ્વારા અનેક પ્રકારના વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. જેમાં ગોકળગાય ગતીએ કામ ચાલી રહ્યું હોવાને કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા હોવાનો આ મિટિંગમાં આક્ષેપ થયો હતો. તેમજ સ્થાનિક પૂર્વ નગરસેવકોએ પણ તંત્રની ધીમી કામગીરીને લઈને ખેદ વ્યક્ત કર્યો હતો. પરંતુ વાસ્તવિકતા ન જાણતા ધારાસભ્યએ સીધો દોષ નો ટોપલો નગરપાલિકા ઉપર ઢોળતા છેવટે પૂર્વ નગર સેવકો અને સ્થાનિકોએ ધારાસભ્ય સામે નારાજગી પ્રગટ કરી હતી. છેવટે જવાબ આપવામાં અસમર્થ રહેલા ધારાસભ્ય બીજા સ્થળે મીટીંગ નું બહાનું બતાવીને સ્થળ છોડીને ચાલતા થયા હતા.