Breaking/ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન મુદ્દે વિદ્યાર્થીઓ માટે આવી શકે છે સારા સમાચાર, શિક્ષણ મંત્રીએ શું કહ્યું ? જાણો

Breaking/ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન મુદ્દે વિદ્યાર્થીઓ માટે આવી શકે છે સારા સમાચાર, શિક્ષણ મંત્રીએ શું કહ્યું ? જાણો

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી પોતાના ભાષણોમાં અવારનવાર કહેતા હોય છે કે જેનો શિલાન્યાસ અમે કરીએ છીએ તેનો ઉદ્ઘાટન પણ અમે કરીએ જ છીએ. એવો દ્રઢ વિશ્વાસ ધરાવનાર નરેન્દ્ર મોદીએ 2013 માં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ કર્યો હતો. વિંધ્યાચલ અને સાતપુરા પહાડીઓ વચ્ચે નર્મદા જિલ્લામાં સ્થિત સરદાર સરોવર ડેમ નજીક સ્થાપિત સરદાર પટેલની પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર થી વધુ છે.તેનું ઉદ્ઘાટન 31 ઓક્ટોબર 2018 ના રોજ કરવામાં આવ્યું હતું.

અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં પણ બમણી ઊંચાઈ ધરાવનાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે ત્યારે આ સરદારના ઇતિહાસને હવે આજની પેઢી એટલે કે વિદ્યાર્થીઓ વધારે નજીકથી જોઈ, જાણી અને સમજી શકે તે માટે આ પ્રવાસન સ્થળના ટિકિટ દર મા વિદ્યાર્થીઓને વિશેષ રૂપે વળતર આપવામાં આવે અને માત્ર નજીવા ટિકિટના દરોથી તેઓ આ સ્થળની મુલાકાત લઈ શકે તે માટે વર્તમાન કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ને મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓ માટે આ પ્રવાસન સ્થળનો ટિકિટ દર માત્ર 50 થી 100 રૂપિયા જેટલો જ રાખવામાં આવે. 

ત્યારે રાજ્યકક્ષા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું અને કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી કુબેર ભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે વર્તમાન પેઢી એ સરદાર પટેલ અને આપણા ગૌરવંતા ઇતિહાસને સમજે તે ખૂબ જ જરૂરી છે અને તે માટે વિદ્યાર્થીઓને વિશેષ રૂપે પ્રવાસન દરમિયાન ટિકિટોમાં વળતર મળે તેને લઈને તેમણે રાજ્ય સરકારને પણ રજૂઆત કરવાનું જણાવ્યું હતું અને વિદ્યાર્થીઓ માટે સરકાર તરફથી સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.