ઊંઝા : નવ નિયુક્ત પ્રમુખને સીધો સવાલ : શું ફલકુ નાળા નો યક્ષ પ્રશ્ન ઉકેલાશે ? નગરજનોમાં ચર્ચાતો સવાલ

ઊંઝા : નવ નિયુક્ત પ્રમુખને સીધો સવાલ : શું ફલકુ નાળા નો યક્ષ પ્રશ્ન ઉકેલાશે ? નગરજનોમાં ચર્ચાતો સવાલ

ફલકુ નાળા માં ગંદકી થી લોકો ત્રાહિમામ

મચ્છર જન્ય રોગો નો ચોમાસામાં ભય 

પ્રધાન મંત્રી મોદી ના સ્વચ્છતા અભિયાન ના લીરા ઉડી રહ્યા છે

પાલિકા ના નવ નિયુક્ત હોદ્દેદારો નગરજનો ને આ સમસ્યા માંથી અપાવી શકશે મુક્તિ ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના & દિખા સો લિખા) : ઊંઝા શહેરની મધ્યમાંથી પસાર થતું ફલકુ નાળું આજે શહેર માટે યક્ષ પ્રશ્ન બન્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. શહેરના મુખ્ય વિસ્તારમાંથી પસાર થતા આ નાળામાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી વહેતું હોવાથી આસપાસના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. જેના કારણે સ્થાનિક લોકો તેમજ વેપારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

ફલકુ નાળાની સમાંતર પસાર થતા માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો અવરજવર કરે છે. પરંતુ નાળામાંથી આવતી દુર્ગંધ અને ગંદકીના કારણે વાહનચાલકો પણ ત્રસ્ત બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ લાંબા સમયથી આ સમસ્યા યથાવત રહેતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

આ નાળાની આજુબાજુ આવેલી વિવિધ સોસાયટીઓમાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ નજીક આવતા મચ્છરજન્ય રોગો ફેલાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકો દ્વારા નિયમિત સફાઈ, ફોગિંગ અને નાળાની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે.

તાજેતરમાં ઊંઝા નગરપાલિકામાં નવા પ્રમુખની વરણી બાદ હવે લોકોમાં આશા જાગી છે કે શહેરના લાંબા સમયથી પડતર રહેલા આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે નવ નિયુક્ત પાલિકા પ્રમુખ ફલકુ નાળાની સમસ્યાના સ્થાયી ઉકેલ માટે અસરકારક પગલાં ભરી શકશે કે નહીં. સ્થાનિક નાગરિકોમાં એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે – શું નવા પાલિકા પ્રમુખ ઊંઝાના આ યક્ષ પ્રશ્નનો ઉકેલ લાવવામાં સફળ રહેશે?