Breaking : સુરતમાં માસ્ક ન પહેરનાર પાસેથી હવે પોલીસ કે SMC અધિકારીઓ દંડ નહિ વસૂલે, મેયરની વિવાદાસ્પદ જાહેરાત
મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : હાલમાં કોરોનાની મહામારી ખૂબ જ વધી રહી છે ત્યારે લોકોને માસ્ક પહેરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે અને માસ્ક ન પહેરનાર પાસેથી ગુજરાતમાં એક હજાર રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના મેયર એ એવી જાહેરાત કરી છે કે હવે માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસૂલવામાં નહીં આવે પરંતુ પોલીસ અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા માસ્ક ન પહેરનારને સામેથી માસ્ક પહેરાવવામાં આવશે. જોકે મેયરની આ જાહેરાત એક નવો વિવાદ સર્જી શકે છે.
અત્રે નોંધનીય છે કે હાઈકોર્ટના આદેશ મુજબ ગુજરાતમાં રૂપાણી સરકાર દ્વારા માસ્ક ન પહેરનાર પાસેથી એક હજાર રૂપિયા જેટલો દંડ વસૂલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઇને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને સુરતમાં માસ્ક ના દંડને લઈને ભારે રોષ હતો. ત્યારે સુરત ના મેયર હેમાલી બોઘાવાલા એ એવી જાહેરાત કરી છે કે સુરતમાં માસ્ક ન પહેરનારને SMC કે પોલીસ દ્વારા દંડ ફટકારવામાં નહીં આવે પરંતુ માસ્ક ન પહેરનાર વ્યક્તિને માસ્ક પહેરાવવામાં આવશે. જોકે મેયરનો આ નિર્ણય મનસ્વી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે મેયરના આ નિર્ણયથી હાઈ કોર્ટના આદેશનો સીધેસીધો અનાદર થયો ગણાય. ત્યારે હવે આ નિર્ણયને લઈને વધુ એક નવો વિવાદ સર્જાય તો નવાઈ નહી. જોકે આ મુદ્દે મેયર નો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતાં તેમણે ફોન રિસીવ કર્યો ન હતો.