ઊંઝા નગરજનો માટે ખુશ ખબર : હવે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને બહાર નહીં જવું પડે, મળશે મફત શિક્ષણ

ઊંઝા નગરજનો માટે ખુશ ખબર : હવે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને બહાર નહીં જવું પડે, મળશે મફત શિક્ષણ

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝા નગર પાલિકામાં ૧૯ નગરસેવકો ની પાતળી બહુમતી સાથે ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. જેમાં ભાજપના પ્રમુખ તરીકે રીન્કુ બેન પટેલની નિયુક્તિ કરવામાં આવી ત્યારે હવે ભાજપના નેતૃત્વવાળી નગરપાલિકાની બોડીમાં શહેરનો વિકાસ કેટલો થશે અને નગરજનોને કઈ કઈ વિશેષ સુવિધાઓ મળશે તેમજ નગરના વિકાસ માટે પ્રમુખની શું ભૂમિકા હશે એના જવાબમાં નગરપાલિકા પ્રમુખ રીન્કુ બેન પટેલે મોર્નિંગ ન્યુઝ ફોકસને માહિતી આપતાં જણાવ્યું હતું કે હું નગરપાલિકાની પ્રમુખ બની અને મારા પિતાજીનું સપનું સાકાર થયું છે જે બદલ નગરજનો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.

રીન્કુ બેન પટેલે જણાવ્યું હતું કે ઊંઝાના શ્રેષ્ઠ એવોર્ડ વિજેતા ધારાસભ્ય ડો.આશાબેન પટેલ ના અથાગ પ્રયત્નોથી શહેરની શૈક્ષણિક સુવિધાઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. એટલું જ નહિ ઊંઝા શહેર ને સરકારી સાયન્સ કોલેજ પ્રાપ્ત થઇ છે ત્યારે હવે ઊંઝાના વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમ માં અભ્યાસ કરવા માટે દૂર દૂર સુધી જવું ન પડે તે માટે નગરપાલિકા દ્વારા અંગ્રેજી માધ્યમની શાળા શરુ કરવાનું મારું સ્વપ્ન છે.

આપને જણાવી દઇએ કે રીન્કુ બેન પટેલ એક શિક્ષિત નગરપાલિકા પ્રમુખ છે. ઊંઝાના ધારાસભ્ય ની જેમ રીંકુબેન પટેલને પણ શિક્ષણ સાથે ખૂબ જ લગાવ છે. ત્યારે ઊંઝા શહેરમાં શૈક્ષણિક સુવિધાઓ માં ઉત્તરોત્તર વધારો થાય. એટલું જ નહીં પરંતુ નગરજનોને આરોગ્યલક્ષી સુવિધાઓ પણ ઉપલબ્ધ થાય તે માટે તેમણે એ દિશામાં આગળ વધવા માટે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકાને ડીજીટલાઇઝેશન કરવાની દિશામાં પણ અમે પ્રયત્નશીલ છીએ. એટલું જ નહીં નગરજનોની સમસ્યાઓ ની રજૂઆત તેઓ ઘરે બેઠા કરી શકે તે માટે નું પણ આયોજન વિચારી રહ્યા છીએ. ત્યારે ઊંઝા ના વિકાસમાં 'સૌનો સાથ, સૌનો વિકાસ' સૂત્ર સાર્થક નીવડે તે રીતે સૌ સાથે મળીને નગરનો વિકાસ કરીશુ.