ભાજપ v/s ભાજપ : ઊંઝા નગરપાલિકામાં શહેર પૂર્વ યુવા ભાજપ પ્રમુખે અપક્ષ માંથી ઉમેદવારી નોંધાવતા ખળભળાટ

ભાજપ v/s ભાજપ : ઊંઝા નગરપાલિકામાં શહેર પૂર્વ યુવા ભાજપ પ્રમુખે અપક્ષ માંથી ઉમેદવારી નોંધાવતા ખળભળાટ
ભાવેશ પટેલ એ અગાઉ ઊંઝા નગરમાં નગર પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો.
ઊંઝા સીટી સરવે કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર મામલે ભાવેશ પટેલે મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હતી.
નગરજનોના હિત માટે સત્તા સામે અવાજ ઉઠાવનાર ભાવેશ પટેલ ની ટિકિટ ભાજપના જ મોટા ગજાના નેતા ના ઈશારે કપાઈ હોવાની ચર્ચા
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે છેલ્લે સુધી ઉમેદવારોના નામ જાહેર ન કર્યા અને કોંગ્રેસની જેમ ચોરી ચોરી છુપકે છુપકે ઉમેદવારીપત્ર ભરાવી દીધા હતા. ત્યારે ઊંઝા શહેર પૂર્વ યુવા ભાજપ પ્રમુખે અપક્ષમાંથી નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરતા ઊંઝાના રાજકારણમાં ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે.
                                                                                                ઊંઝા નગરની સમસ્યાઓને વાચા આપનાર પૂર્વ શહેર યુવા પ્રમુખ ભાવેશ પટેલે વોર્ડ નંબર 2 માટે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. અત્રે નોંધનીય છે કે નગરપાલિકાની ચૂંટણી લડવા માટે ભાવેશ પટેલ અગાઉથી જ મક્કમ હતા ત્યારે ભાવેશ પટેલ ચૂંટણી ન લડે તે માટે તેમને ભાજપના જ કેટલાક દિગ્ગજ નેતાઓ દ્વારા અનેક પ્રલોભનો આપવામાં આવ્યાં હતાં. અનેક લોભામણી લાલચો ને વશ ન થનાર અને શહેરની સમસ્યાઓ માટે સતત પ્રજાની પડખે રહેવાનો મક્કમ નિર્ધાર કરનાર ભાવેશ પટેલે છેવટે અપક્ષમાંથી ઉમેદવારીપત્ર ભર્યું છે.
                                                                                                  અત્રે નોંધનીય છે કે ભાવેશ પટેલે ભાજપ પાસે નગરપાલિકામાં ચૂંટણી લડવા માટે ટિકિટની માગણી કરી હતી. પરંતુ ભાજપના જ એક મોટા ગજાના નેતા દ્વારા ભાવેશ પટેલ ની ટિકિટ કાપી નાખવા માટે નો કારસો રચવામાં આવ્યો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે હવે શહેરના સૌથી યુવા એવા ભાવેશ પટેલે નગરપાલિકાની ચૂંટણી ઝંપલાવતાં સમગ્ર નગરમાં ઊંઝા નગરપાલિકાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેશે.એટલું જ નહીં પોતાના મતક્ષેત્રમાં આવતા ઉમેદવારોનો રૂબરૂ સંપર્ક કરનાર ભાવેશ પટેલ ને મતદારો દ્વારા પણ જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે અને ભાવેશ પટેલ ને જીત આપવા માટે તેમના વોર્ડના મતદારો જ હવે ઉત્સુક બન્યા છે.