મહેસાણા નગર પાલિકામાં ભાજપે ટિકિટો ફાળવવામાં સોદાબાજી કરી હોવાનો આક્ષેપ, વિડીયો વાયરલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા : મહેસાણા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ કાંઈ ખુશી કહી ગમ જોવા મળ્યો હતો. જોકે કેટલાક વોર્ડમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારોની ટીકીટ ફાળવવામાં આવતા કાર્યકરોમાં રોષ ભભૂક્યો હતો. તો બીજી બાજુ વર્ષો જૂના ભાજપના કાર્યકરોની ઉપેક્ષા થતા ભારે નારાજગી જોવા મળી હતી. જોકે યુવા મોરચાના કાર્યકરો એ પણ ટિકિટ માગી હતી પરંતુ યુવા મોરચાના કોઈપણ કાર્યકરને ટિકિટ નહીં મળતા ભારે રોષની લાગણી જોવા મળી હતી. જેને લઇ હવે મહેસાણા નગરપાલિકામાં ભાજપ જ ભાજપને હરાવવા માટે મેદાનમાં ઉતરે તો નવાઈ નહીં !
બીજી બાજુ ભાજપના કેટલાક કાર્યકરોએ ટિકિટ માંગી હોવા છતાં ટિકિટ નહીં મળતા કાર્યકરોએ ભાજપના સંગઠનના નેતાઓ સામે રોષ ઠાલવ્યો હતો. જેમાં એક વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં ભાજપના 30 વર્ષ જૂના કાર્યકર મહેસાણા સંગઠન ભાજપના નેતાઓ સામે આક્ષેપ કરતા જણાવે છે કે ભાજપના નેતાઓએ ટિકિટોની સોદાબાજી કરી છે. વર્ષો જૂના કાર્યકરોની અવગણના કરીને કોંગ્રેસમાંથી આવેલા આયાતી ઉમેદવારને ટિકિટ આપતા હવે અમે અપક્ષમાં ચૂંટણી લડીને,લડાવીને ભાજપને કાર્યકરોની તાકાતનો પરિચય કરાવીશું. યુવા મોરચાના કાર્યકરોએ ટિકિટ ફાળવણી મુદ્દે અસંતોષને લઈને પૂર્વ શહેર પ્રમુખ કૌશિક ભાઈ વ્યાસ સામે રજૂઆત કરતા પૂર્વ શહેર પ્રમુખ કૌશિક ભાઈ વ્યાસ રડી પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મહેસાણા નગરપાલિકા માં વોર્ડ નંબર ત્રણ માં ભાજપે જેમને ટિકિટ આપી છે એવા દીપક પટેલ અને વનીતા બેન પટેલ બંને મૂળ કોંગ્રેસી છે. જો કે પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા હતા. તો વળી વોર્ડ નંબર ચાર માં ભાજપે ટિકિટ આપી છે એવા સંજય બ્રહ્મભટ્ટ પણ અગાઉ કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે તેઓ પણ પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા હતા. તો વળી બીજીબાજુ વોર્ડ નંબર 11 માં રમેશ ત્રિભુવનભાઈ પટેલના પુત્રવધૂ ને ટિકિટ ફાળવી છે. રમેશ પટેલ પણ વીસ વર્ષ સુધી કોંગ્રેસમાં કાર્યકર રહ્યા છે અને છેલ્લા ચાર ટર્મ કોંગ્રેસમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટણી જીત્યા છે. આમ કોંગ્રેસના આયાતી ઉમેદવારોને ભાજપે ટિકિટ ફાળવતા ભાજપના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી છે. જોકે મહેસાણા નગર પાલિકામાં ભાજપમાં કાર્યકરોમાં જોવા મળેલી ભારે નારાજગી અંગે ભાજપના નેતાઓનો સંપર્ક કરતા તેમણે સમગ્ર દોષનો ટોપલો પાર્લામેન્ટરી બોર્ડ ઉપર ઢોળી દીધો હતો.
વીડિયો જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો