ઊંઝા એપીએમસી ને બદનામ કરવાનું કાવતરું ?
ઊંઝા એપીએમસી સામે ૧૫ કરોડના કૌભાંડનો કરાયો હતો બેબુનિયાદ આક્ષેપ
ઊંઝા એપીએમસી સામે આક્ષેપ કરવામાં પરોક્ષ ભૂમિકા ભજવનાર APMC ડિરેકટર સંજય ઉર્ફે શંકર પટેલ જીએસટી કર ચોરી કૌભાંડનો નીકળ્યો મોટો સૂત્રધાર
APMC ડિરેકટર સંજય ઉર્ફે શંકર પટેલ દ્વારા કરોડોનું જીએસટી કર ચોરી કૌભાંડ આચરાયું હોવાનું બહાર આવતા કરાઈ છે ધરપકડ
મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા : સમય પૂર્વે ઊંઝા એ.પી.એમ.સી.ના ચેરમેન સામે ઊંઝા એપીએમસીના ડિરેક્ટર સંજય ઉર્ફે શંકર પટેલ નજીકના ગણાતા સૌમિલ પટેલ દ્વારા ૧૫ કરોડના કૌભાંડનો બેબુનિયાદ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘણા સમય સુધી મીડિયામાં આ અંગે ચર્ચાઓ ચાલી હતી. ઊંઝા એપીએમસીના ચેરમેન સેક્રેટરી સામે અનેક ખોટા આક્ષેપો થયા હતા છતાં પણ પારદર્શક વહીવટની છબી ધરાવનારા ચેરમેન અને સેક્રેટરી આ આક્ષેપોથી જરા પણ વિચલિત થયા ન હતા ત્યારે આખરે આ સત્ય ઉજાગર થઇ ને જ રહ્યું છે.
ઊંઝા એપીએમસી સામે ૧૫ કરોડના કૌભાંડનો બેબુનિયાદ આક્ષેપ કરી એશિયાની સૌથી મોટી એપીએમસીને બદનામ કરવાનું ષડયંત્ર રચી તેમાં પરોક્ષ રીતે ભૂમિકા ભજવનાર સંજય ઉર્ફે શંકર પટેલ ખુદ કરોડો રૂપિયાની જીએસટી કર ચોરીના કૌભાંડનો સૂત્રધાર સાબિત થયો છે. તો બીજી બાજુ ચર્ચાતી વિગતો મુજબ, પરોક્ષ ભૂમિકા ભજવનાર ધમા મિલનને પણ જુગારધામ ચલાવવાના કેસમાં પાસાની સજા થઈ છે.
જો કે ચર્ચાતી વિગતો મુજબ,પરોક્ષ રીતે ભૂમિકા ભજવનાર આ બંને સૂત્રધાર દ્વારા ઊંઝા એપીએમસીમાં ફરજ બજાવનાર સૌમિલ પટેલ ને હાથો બનાવી ઊંઝા એપીએમસીના ચેરમેન અને સેક્રેટરી સામે સેસ કૌભાંડના ખોટા આક્ષેપો કરાયા હતા, જેની જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ન્યાયિક તપાસ પણ કરવામાં આવી હતી. પરંતુ છેવટે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. ત્યારે પરોક્ષ રીતે ઊંઝા એપીએમસી સામે સેસ કૌભાંડનો બેબુનિયાદ આક્ષેપ કરનાર સંજય ઉર્ફે શંકર પટેલ અને ધમા મિલન બંને કાયદાકીય રીતે ગુનેગાર સાબિત થયા છે ત્યારે 'ચોર કોટવાળને દંડે' જેવી ગુજરાતી કહેવત આ પ્રકરણમાં યથાર્થ થઇ રહી હોવાનું હવે ચર્ચાઈ રહ્યું છે.