GST કરચોરી/ ઊંઝા APMC ડિરેકટર સંજય ઉર્ફે શંકર પટેલની પૂછપરછમાં વધુ 13 બોગસ બીલિંગ પેઢીના નામ બહાર આવતાં ખળભળાટ
SGST વિભાગના સર્ચ ઓપરેશનમાં કુલ ૫૯ જીએસટી કર ચોરોની ધરપકડ કરવામાં આવી છે
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : તાજેતરમાં જીએસટી વિભાગને જીરાની કોમોડિટીમાં આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ ના દસ્તાવેજો નો દુરુપયોગ કરી બોગસ પેઢીઓ ઊભી કરી આ બોગસ પેઢીઓના ઇ વે બિલ જનરેટ કરી ભરવાપાત્ર જીએસટી ન ભરવાની ધ્યાનમાં આવતા જીએસટી વિભાગ દ્વારા ઊંઝા ખાતે વિવિધ પેઢીઓમાં સ્થળ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં કરોડોની કરચોરી કરનારા ઊંઝા એપીએમસી ના ડિરેકટર સંજય ઉર્ફે શંકર પટેલ સહિત કુલ 5 કરચોરોને જી.એસ.ટી. વિભાગે ઝડપી લીધા છે.
આ તપાસમાં મુખ્યત્વે નજીવી આવક ધરાવતા વ્યક્તિઓ જેવા કે ડ્રાઇવર, ખેત મજૂરો, ગટર સાફ સફાઈ વાળા, ન્યુઝપેપર ડિલિવરીમેન, પાન-મસાલાનાં ગલ્લા ચલાવનારાઓને દસ્તાવેજોનો નાણાકીય પ્રલોભન આપી દુરુપયોગ કરવામાં આવેલ હોવાનું જણાઇ આવેલ ત્યારે આવા વ્યક્તિઓ ના નામે સંખ્યાબંધ બોગસ પેઢી ઊભી કરી ઇ વે બિલ જનરેટ કરી તેના આધારે માલ સપ્લાય કરી તેના પર ભરવાપાત્ર વેરાની કરચોરી કરી હોવાનું જાણવા મળતાં જીએસટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.જેમાં 13 જેટલી પેઢીઓ બનાવી કુલ 21.41 કરોડની કરચોરી કરી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે
આ કૌભાંડમાં અત્યાર સુધીમાં ઊંઝાના હિરેન મોહનલાલ પટેલ તથા સંજય પ્રહલાદ પટેલ ઉર્ફે સંજય માધા, સુપ્રીમ પટેલ અને અમિત રમેશભાઈ પટેલ ઉર્ફે ટેમી ની ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર તેમજ માથાભારે છબી ધરાવતા ઊંઝા એપીએમસીના ડિરેક્ટર સંજય મફતભાઈ પટેલ ઉર્ફે શંકર પટેલ છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો જેને આબુ રોડ ખાતેની સિલ્વર ઓફ કન્ટ્રી યાર્ડ હોટલમાંથી એન્ફોર્સમેન્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા 3 જાન્યુઆરી ના રોજ વહેલી સવારે 5:30 વાગે ઝડપી લેવામાં આવ્યો હતો. શંકર પટેલની મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ વિભાગની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેની ધરપકડ કરી એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં આજે 4 જાન્યુઆરી ના રોજ રજુ કરી દસ દિવસના કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન ની માગણી કરવામાં આવી છે.
આ સિવાય પણ અન્ય કેટલીક પેઢીઓમાં બિલિંગ કરવામાં આવેલ હોવાની શક્યતા છે. જેથી આ પ્રકરણમાં વધુ તપાસની કામગીરી હાલમાં ચાલી રહેલ છે.ઉલ્લેખનીય છે કે જીએસટી વિભાગ દ્વારા આજદિન સુધીમાં કુલ ૫૯ જીએસટી કર ચોરોની ધરપકડ કરવામાં આવી છે