ઊંઝામાં એવું તે શું બન્યું છે કે વેપારીઓ દોડતા થયા છે, જાણી ને લાગશે મોટો આંચકો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ઊંઝા એ સમગ્ર એશિયાભરમાં સૌથી મોટું ખેતીવાડી ઉત્પન્ન બજાર ધરાવતું શહેર છે. અહીં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અનેક વેપારી પેઢીઓ આવેલી છે. જે માત્ર ગુજરાત કે દેશમાં જ નહિ પરંતુ વિદેશ સાથે વેપાર કરે છે. ઊંઝા ગંજ બજારમાં અનેક રાજ્યના ખેડૂતો પોતાની જણસો વેચવા માટે આવતા હોય છે. એમાં ખાસ કરીને ઊંઝા ગંજ બજાર એ મસાલા ની લે વેચ માટે ખૂબ જ પ્રખ્યાત છે. જીરૂ, વરીયાળી સહિતના પાકો અહીં મોટા પ્રમાણમાં લોકો વેચવા આવે છે. વેપારીઓ માલ ની લે વેચ ને લઈને લાખો કરોડોનું ર્ટન ઓવર કરતાં હોય છે.
જો કે છેલ્લા બે દિવસથી વેપારીઓમાં જે ચર્ચા ચાલી રહી છે તેને લઈને અનેક વેપારીઓ ના જીવ અધ્ધર થઈ રહ્યા છે. કારણ કે ઊંઝા ગંજ બજાર ની એક નામાંકિત વેપારી પેઢી એ કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી ઉઠમણું કરી નાંખ્યું હોવાની ચર્ચાએ જોર પકડયું છે. જેને લઇને વેપારીઓ ના જીવ અધ્ધર થઈ ગયા છે. જોકે વેપારી મંડળના કેટલાક સત્તાધીશો દ્વારા પણ આ વાતને સમર્થન મળી રહ્યું છે. ત્યારે વેપારીઓ માં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા ગંજબજારમાં આવેલી વિસનગર રોડ પર આવેલી એક નામાંકિત સ્પાઇસીસ પેઢી એ કરોડોનું ફુલેકું ફેરવી ઉઠમણું કરી નાંખ્યું હોવાની ચર્ચાએ જોર પકડયું છે. જોકે વેપારીઓએ પોતાના નાણાં મેળવવા માટેની કવાયત શરૂ કરી દીધી છે. અનેક વેપારીઓ આ પેઢી પાસે એકત્ર થયા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે ૨૦ થી ૨૫ જેટલા વેપારીઓના મોટા નાણાં ફસાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આશરે ૮ થી ૧૦ કરોડનું ફુલેકું ફેરવી ઉઠમણું કર્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ આ સંદર્ભે ઊંઝા પોલીસ સ્ટેશનમાં હજુ સુધી કોઈ ગુનો નોંધાયો નથી.