ઊંઝા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ માટે શરૂઆતથી જ કપરા ચઢાણ ? ટીકીટ ફાળવણી પ્રક્રિયા પૂર્વે જ તાલુકા સંગઠન સામે અનેક તર્ક-વિતર્ક !
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : આગામી 28મી ફેબ્રુઆરીએ 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ઊંઝા ખાતે એપીએમસી હોલ માં ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં અનેક ભાજપના ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી ત્યારે ઊંઝા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ માટે શરૂઆતથી જ કપરા ચઢાણ જોવામાં આવી રહ્યા છે.
જોકે સેન્સ માટે આવેલા ઉમેદવારોમાં એવો ગણગણાટ પણ થતો હતો કે આ સેન્સ લેવાની પ્રક્રિયા માત્ર નામ પૂરતી જ હોઈ શકે છે. અગાઉથી જ તાલુકા પંચાયતની ચૂંટણી માટેના ઉમેદવારોનાં નામ તાલુકા ભાજપ સંગઠન દ્વારા નક્કી કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું ત્યારે ભાજપના જ કેટલાક ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકરોમાં આ ચર્ચાને લઈને છૂપો રોષ જોવા મળ્યો હતો.
અત્રે નોંધનીય છે કે ઊંઝા તાલુકા ભાજપ સંગઠનને લઈ તાલુકાના ભાજપના જૂના કાર્યકરોમાં છેલ્લા ઘણા સમયથી છૂપો અસંતોષ છે.કારણ કે નવા સંગઠન માં ભાજપના અનેક દિગજ્જ કાર્યકરોને સાઈડ લાઇન કરાયા છે.જો કે નવા સંગઠનના હોદ્દેદારો મનસ્વી રીતે નિર્ણયો લેતા હોવાનું ચર્ચાય છે,બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે જો આ વખતે તાલુકા પંચાયતની ચૂંટણીમાં ટીકીટ ફાળવણીમાં એક હથ્થો નિર્ણય લેવાશે તો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સુધી તાલુકા સંગઠનના હોદેદારો વિરુદ્ધ તેની રજૂઆતો કરાશે.
છેલ્લા ઘણા સમયથી કેટલીક તાલુકા પંચાયતની બેઠકોમાં કેટલાક ગામડાઓને પ્રાધાન્ય નહી મળ્યું હોવાનું ચર્ચાય છે ત્યારે આને લઈ ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન જવાના એધાણ વર્તાઈ રહયા છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સંગઠનના હોદેદારો દ્વારા પોતાના જ મળતીયાઓ ને ટીકીટ અપાવવાના પેતરા રચાઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે બીજી બાજુ પ્રદેશ અધ્યક્ષ લાયક કાર્યકરોને જ ટીકીટ મળવાના દાવાઓ સાથે 55 વર્ષથી મોટી ઉંમરના લોકોને ટીકીટ માગવા ન આવવાની વાતો કરી રહયા છે ત્યારે જોવું એ રહ્યું કે હવે ઊંઝા તાલુકા પંચાયતની ચૂંટણી લડવા માટે લાયક ઉમેદવારોને જ ટીકીટ મળશે કે પછી મળતીયાઓ ને બખ્ખા પડી જશે !