ગુજરાતમાં 100 ટકા રસીકરણ કરાવવા માટે આમ આદમી પાર્ટીએ લીધો મોટો નિર્ણય, AAP કેવી રીતે ચલાવશે' રસીકરણ જાગૃતિ અભિયાન' ? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : હાલમાં કોરોનાની મહામારી માં સરકાર આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી રહી છે. જોકે હાલમાં કોરોના નો બીજો વેવ ચાલી રહ્યો છે અને ત્રીજો વેવ પણ આવવાની પૂરી શક્યતાઓ છે ત્યારે કોરોના સામે બચવાનો એકમાત્ર સીધો અને સરળ ઉપાય એ સો ટકા રસીકરણ છે.ત્યારે ગુજરાતમાં વધુને વધુ લોકો રસીકરણ કરાવે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા રસીકરણ ઝૂંબેશ શરૂ કરવાનું આયોજન હોવાનું આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણી એ જણાવ્યું છે.
રસીકરણ ને લઈને હાલમાં જે કામગીરી ચાલી રહી છે તેમાં સરકાર દ્વારા ક્યાંકને ક્યાંક વ્યવસ્થાનો અભાવ અને અપૂરતું સંકલન જોવા મળી રહ્યું છે તો વળી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ને કારણે રસીકરણ વ્યવસ્થા જટિલ અને વિલંબિત બની રહી છે. ત્યારે કોઇપણ પ્રકારની રાજકીય ટિપ્પણી કરવામાં નહીં માનતી આમ આદમી પાર્ટીના નગરસેવકો ગુજરાતમાં સો ટકા રસીકરણ કરાવવા માટે ઉત્સુક છે.
એટલું જ નહીં પરંતુ રસીકરણ ને લઈને લોકોમાં પણ કેટલીક ગેરસમજો અને અફવાઓ ફેલાયેલી છે.ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ' રસીકરણ જાગૃતિ અભિયાન' શરૂ કરવામાં આવશે. આ અભિયાન સોશિયલ મીડિયા અને ડિજિટલ માધ્યમો દ્વારા ચલાવવામાં આવશે. જેમાં રસીકરણ થી થતા ફાયદા અને રસીકરણ અંગેની ગેરમાન્યતાઓને દૂર કરાશે.
એટલું જ નહીં શક્ય હોય ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લોક સંપર્ક કરીને લોકોને જાગૃત કરશે. આ ઉપરાંત જે લોકોને રજીસ્ટ્રેશન કરવામાં તકલીફ પડતી હોય એવા લોકોનું નજીકના સેન્ટર માટે રજિસ્ટ્રેશન પણ કરી આપશે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં રસીકરણ સો ટકા થાય એ જ આમ આદમી પાર્ટીનો એકમાત્ર ધ્યેય છે. લોકો ખોટી અફવાઓ માં આવ્યા સિવાય રસીકરણ કરાવે અને કોરોના ને મ્હાત આપે એ જ સમયની માંગ છે.