ગુજરાતની આ ગ્રામ પંચાયતે 'બેટી પઢાઓ અને પર્યાવરણ બચાવો' ને લઈ લીધો મોટો નિર્ણય, PM મોદી પણ પ્રશંશા કર્યા વિના નહિ રહી શકે !

ગુજરાતની આ ગ્રામ પંચાયતે 'બેટી પઢાઓ અને પર્યાવરણ બચાવો' ને લઈ લીધો મોટો નિર્ણય, PM મોદી પણ પ્રશંશા કર્યા વિના નહિ રહી શકે !

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  સરકાર દ્વારા 'બેટી બચાવો, બેટી પઢાવો' માટે અનેકવિધ યોજનાઓ ની જાહેરાત કરવામાં આવતી હોય છે. એટલું જ નહીં 'પર્યાવરણ બચાવો' ની ઝૂમબેશ પણ ચલાવવામાં આવતી હોય છે. પરંતુ ગુજરાતના જસદણ તાલુકાના પારેવાળા ગામ પંચાયત દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી ' બેટી બચાવ, બેટી પઢાઓ' અને 'પર્યાવરણ બચાવો' નું સૂત્ર સાચા અર્થમાં સાર્થક થશે.

પ્રાપ્ત અહેવાલો મુજબ, જસદણ તાલુકાના પારેવાળા ગામના યુવા સરપંચ પ્રદીપભાઈ રામાવત દ્વારા આ વર્ષે હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે ગ્રામજનો માટે ત્રણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આવતી પહેલી તારીખ પછી પારેવાળા ગામના કોઈપણ નાગરિકના ઘરે દીકરીનો જન્મ થશે તો તે દીકરીના પ્રાથમિક શિક્ષણની તમામ જવાબદારી પારેવાળા ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવશે. બીજું તે દીકરીને સરકારમાંથી વહાલી દીકરી યોજના અંતગર્ત મળવાપાત્ર સહાય અપાવવામાં આવશે તેમજ તે દીકરીનું પોસ્ટમાં ખાતું ખોલાવી આપી તેમાં રૂ.1001 જમા કરાવવામાં આવશે.

ત્રીજું ગ્રામજનોને મકાન વેરામાં 50 ટકા ઘટાડો કરી આપવામાં આવશે અને જે પણ નાગરિક પોતાના ઘરે નવું વૃક્ષ વાવી તેનો ઉછેર કરશે તેનો પાણી વેરો સંપૂર્ણ માફ કરી આપવામાં આવશે તેવી પારેવાળા ગ્રામ પંચાયત દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જોકે પારેવાળા ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરવામાં આવેલી આ અનોખી પહેલ હવે ગુજરાતની અન્ય ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક મિશાલ બની જાય તો નવાઈ નહી !