સુરતના ખાનગી ફાર્મ હાઉસમાં પી.આઈ.નો વિદાય સમારંભ યોજાયો : ચાર જેટલા નિયમોનો ઉલાળીયો, વિડીયો વાયરલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : હાલમાં કોરોનાની મહામારી માં સરકાર દ્વારા અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.જેમાં રાત્રે આઠ વાગ્યા પછી કરફ્યુ લાદવામાં આવ્યો છે.એટલું જ નહીં માસ્ક અને સોશિયલ distance ને લઈને પણ સરકાર દ્વારા આકરુ વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જેમાં જો સહેજ પણ ચૂક થાય તો પોલીસ દ્વારા લોકો પાસેથી મસમોટો દંડ ઉઘરાવવામાં આવતો હોય છે. બીજી બાજુ રાત્રે આઠ વાગ્યા પછી બહાર નીકળનાર લોકોને પોલીસ દ્વારા સજા ફરમાવવામાં આવતી હોય છે. ત્યારે સુરતમાં ખુદ પોલીસે જ આ નિયમોનો ભંગ કર્યો હોવાની ઘટના બહાર આવી છે.
સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટરની બદલી થતા સિંગણપોર ના એક ખાનગી ફાર્મ હાઉસમાં પોલીસ ઇન્સ્પેક્ટર નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.જેમાં મંજૂરી વગર 100 કરતાં વધારે લોકો એકત્ર થયા હતા. જેની સાથે સાથે ચાર નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું હતું. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પ્રાપ્ત મીડિયા અહેવાલો અનુસાર સુરતના સિંગણપોર વિસ્તારના એક ખાનગી ફાર્મ હાઉસમાં પોલીસ ઇન્સ્પેકટરની બદલી નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.જેમાં માસ્ક, સોશિયલ distance, મંજૂરી વિના કાર્યક્રમ અને રાત્રિ કરફ્યુ ભંગ જેવા ચારચાર નિયમોનો ઉલાળીયો કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જો સામાન્ય માનવી દ્વારા કોઈપણ પ્રકારની સહેજ પણ ભૂલ થાય તો પોલીસ એની પાસેથી મસમોટો દંડ લેતી હોય છે. ત્યારે શું તમામ નિયમોની ઐસી તૈસી કરનાર અને આ કાર્યક્રમ યોજનાર આયોજકો સામે કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં આવશે કે પછી સુરત પોલીસ 'તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ' વાળી કહેવતને સાકાર કરશે ?