સુરતના વેપારીઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો માહોલ ફળ્યો, વેચાણમાં 25%નો વધારો
Mnf network : કાપડના વેપારીઓને રામમય મહોલ ફળ્યો છે. ભગવાનના વસ્ત્રોના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ભગવાનના વસ્ત્રોના વેચાણમાં 25 ટકાનો વધારો પણ થયો છે. આગામી 22મી જાન્યુઆરીના પ્રસંગ માટે કાપડની માર્કેટમાં સારી એવી માંગ જોવાઈ રહી છે.એકાએક માંગ વધી જવાને કારણે વેપારીઓ પાસે માલ પણ ઘટ્યો છે. ભગવાનના વાઘા અને મૂર્તિ પાછળ પડદા બનાવવા માટે કાપડની ડિમાન્ડ વધી છે.
અયોધ્યામાં નિર્માણ પામેલા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ ઠેરઠેર ભક્તિમય વાતાવરણ બની ગયું છે. આ મહોત્સવને લઈ દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોમાં પણ પોત-પોતાની રીતે 22મી જાન્યુઆરીના રોજ થનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવાની આતુરતા દેખાઈ રહી છે.
ત્યારે સુરતની કાપડ માર્કેટમાં ધાર્મિક કપડાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોની તુલનામાં આ માંગ 25 ટકા જેટલી વધી ગઈ હોવાનું વેપારી જણાવી રહ્યા છે. વેલવેટના કાપડ પર એમ્બ્રોઈડરી વિથ લેસર કટિંગ મશીનથી લખવામાં આવેલા 'જય શ્રીરામ'ના નામનું કાપડ, સ્વેટર બનાવવામાં વપરાતા ઉનના વર્કવાળા કાપડની યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, કોલકાતા, આસામ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાંથી છેલ્લા બે મહિનાથી માંગ નીકળી છે.