પૂરની તબાહી / નર્મદા નદીના પૂર મુદ્દે કોંગ્રેસે ભુપેન્દ્ર સરકાર પર મૂક્યો મોટો આરોપ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ધોધમાર વરસાદ અને બીજી બાજુ નિંચાણવાળા ગામડાઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે નર્મદા ડેમમાં પાણી છોડવા મુદ્દે ગુજરાત કોંગ્રેસે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના સ્પોકપર્સને આરોપ લગાવ્યો છે કે 18 લાખ ક્યૂસેક પાણી નર્મદા ડેમમાંથી છોડીને એક માનવ સર્જિત આપત્તિ ઊભી કરાઈ છે. એટલું જ નહીં તેમણે આ મુદ્દે લિગલ એક્શન લેવા પણ ટકોર કરી છે.
મનીષ દોશીએ કહ્યું કે હવામાન વિભાગે 14, 15 અને 16 સપ્ટેમ્બરના રોજ નર્મદાના કેચમેન્ટ વિસ્તારોમાં વરસાદના આંકડા નિયમિતપણે પ્રકાશિત કર્યા હતા. ધીમે ધીમે પાણી છોડવાને બદલે સત્તાધીશોએ તેમ કર્યું ન હતું અને ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી પાછળથી છોડવું પડ્યું હતું. આના કારણે જ લોકોની મિલકત અને પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
મીડિયા અહેવાલ મુજબ, બંને સિટીના ઓછામાં ઓછી 58 રહેણાંક સોસાયટીઓમાં સેંકડો પરિવારો, તેમની કિંમતી સામાન અને ઘરવપરાશની ચીજવસ્તુઓ બચાવવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે. નર્મદામાં પાણીની સપાટીમાં થોડો ઘટાડો થયો હોવા છતાં ગોલ્ડન બ્રિજ ખાતે નદી 40.47 ફૂટ પર વહી રહી હતી જે 24 ફૂટના જોખમના નિશાનથી 16.47 ફૂટ ઉપર છે.
રવિવારે, સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધુ 18 લાખ ક્યુસેક (1 ક્યુસેક યુનિટ લગભગ 28.3 લિટર પ્રતિ સેકન્ડનો પ્રવાહ છે) ડાઉનસ્ટ્રીમમાં છોડવામાં આવ્યો હતો, જેના કારણે લોકોને તેમની કિંમતી વસ્તુઓ બચાવવાની કોઈ તક મળી ન હતી. ભરૂચ અને નર્મદા જિલ્લાના લગભગ 55 ગામો, ભરૂચ શહેરના લગભગ 10 નીંચાણવાળા વિસ્તારો અને અંકલેશ્વર, હાંસોટ અને દિવા રોડની 58 રહેણાંક સોસાયટીઓ ભારે પાણીમાં ડૂબી ગઈ છે. ઘણી જગ્યાએ, પાણી પહેલા માળ સુધી પહોંચી ગયા છે જેના કારણે રહેવાસીઓ તેમની કાર, ટુ-વ્હીલર, સોફા, ફર્નિચર અને અન્ય વસ્તુઓને તરતી નિહાળી રહ્યા હતા.