સુરત મેયરે એકાએક સિટી બસ અટકાવી દીધી અને ડ્રાયવરને સ્થળ પર જ કર્યો સસ્પેન્ડ, કારણ જાણી કરશો પ્રસંશા

સુરત મેયરે એકાએક સિટી બસ અટકાવી દીધી અને ડ્રાયવરને સ્થળ પર જ કર્યો સસ્પેન્ડ, કારણ જાણી કરશો પ્રસંશા

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : સુરત શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ બસની અકસ્માતની દુર્ઘટનાઓ અવારનવાર મીડિયામાં ચમકતી હોય છે ત્યારે સુરત મેયર હેમાલીબેન બોઘાવાલા દ્વારા એકાએક રિયાલિટી ચેકિંગ કરીને ઓવર સ્પીડે બસ હંકારનાર ડ્રાઇવરને તાત્કાલિક સ્થળ પરથી જ સસ્પેન્ડ કર્યો હોવાની ઘટના સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના મેયર કાર્યક્રમમાંથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન તેઓ અડાજણ વિસ્તારમાંથી પાલનપુર પાટિયા તરફ જતા સમયે તેમની નજર બીઆરટીએસના ચાલક ઉપર પડી હતી. બસ તેમની ગાડીને આગળ જ હતી અને તેઓ સતત જોતા રહ્યા કે, ડ્રાઇવર ખૂબ જ ઓવરસ્પીડથી બસ હંકારી રહ્યો હતો. એક ક્ષણ માટે તો આંખ આડા કાન કર્યા, પરંતુ ફરીથી તેમણે જોયું કે, જે રીતે તે બસ હંકારી રહ્યો છે, તેને રોકવો જરૂરી છે. જેથી મેયરે તેનો પીછો કરતા સોના હોટલની નજીક બસની આગળ જ પોતાની ગાડીને ઉભી રાખી દીધી હતી.

મેયરે બસને ઉભી રખાવીને ડ્રાઇવરને આડે હાથે લીધો હતો. જે બાદ તાત્કાલિક અસરથી અધિકારીનો પણ સંપર્ક કરી લીધો હતો. ડ્રાઇવરને લગતી વિગતો મેળવીને તેની સામે પગલાં લેવા માટે પણ સૂચન દીધું હતું અને તાત્કાલિક ધોરણે તેને સસ્પેન્ડ કરવા માટે સૂચના આપી દીધી હતી.