કર્ણાટકના પરિણામોની ગુજરાતની ભાજપ સરકાર પર શું થઈ શકે છે અસર ? પાટીલની આગામી વ્યૂહ રચના શું હશે ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : તાજેતરમાં સમાચાર માધ્યમોમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અંગત કારણોસર રાજીનામું આપી શકે છે તેવી અટકળો વહેતી થઈ હતી પરંતુ આ માત્ર એક અફવા જ હતી. ગુજરાતમાં ચાલી રહેલી અટકળો વચ્ચે ગઈકાલે આવેલા કર્ણાટકની ચૂંટણીના પરિણામોએ એકવાર ફરીથી ભાજપ શાસિત ગુજરાત સરકારની ચિંતાઓ વધારી દીધી છે. કારણ કે કર્ણાટકમાં હિન્દુત્વ કાર્ડ ચાલ્યું નહીં અને ભાજપનો કારમો પરાજય થયો.
જોકે ગુજરાતમાં કર્ણાટક કરતાં બિલકુલ ઉલટી સ્થિતિ છે. અહીં હિન્દુત્વ કાર્ડ સુપેરે ચાલતું રહે છે. એટલા માટે જ 2022 ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે 156 ની બહુમતી સાથે નોંધપાત્ર વિજય પ્રાપ્ત કર્યો હતો. પરંતુ હાલમાં ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ચાલી રહેલી ગુજરાત સરકાર માં પણ ક્યાંક ને ક્યાંક અનેક ખામીઓ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે વધારે સ્પષ્ટ બહુમતી સાથે જીતવાને પરિણામે ઓવર કોન્ફિડન્સમાં આવેલી આ ભાજપ સરકારના કેટલાક મંત્રીઓ હવે પોતાના વિસ્તારની જનતા અને કાર્યકરો ની ફરિયાદોને અવગણી રહ્યા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. જો આ રીતે જ જે તે વિસ્તારના મતદારો અને કાર્યકરોની ફરિયાદોને સતત અવગણવામાં આવશે તો આગામી ચૂંટણીઓમાં ભાજપને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે જ કર્ણાટકમાં આવેલા પરિણામોને લઈને ગુજરાત ભાજપ પણ હવે આ વિષય પર ખૂબ જ ગહનતાપૂર્વક વિચાર કરે તે ખૂબ જ જરૂરી છે.
બીજી બાજુ કર્ણાટકના પરિણામો બાદ કદાચ ગુજરાતમાં પણ કેટલાક નિષ્ક્રિય રહેલા મંત્રીઓને દરવાજો દેખાડવા માટે મંત્રીમંડળમાં ફેરફાર થવાની શક્યતાઓને પણ જોવામાં આવી રહી છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આ બાબતે ખૂબ જ સક્રિય છે અને વારંવાર યોજાતા કાર્યક્રમમાં તેઓ જે તે વિસ્તારના મતદારો અને કાર્યકરોની સમસ્યાઓ અને રજૂઆતોને ઝડપથી ઉકેલવા માટે મંત્રીઓને પણ સતત ટકોર કરતા રહે છે તેમ છતાં પણ કેટલાક મંત્રીઓ સત્તાના નશામાં ચકચૂર બનીને પોતાના વિસ્તારની જનતા અને કાર્યકરોની રજૂઆતોને અવગણી રહ્યા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં ગુજરાત ભાજપ આવનારી 2024 ની લોકસભાની ચૂંટણીઓમાં તમામ સીટો હાંસલ કરવા માટે કયા પ્રકારની વ્યૂહ રચના અપનાવે છે તે જોવું રહ્યું.