ખળભળાટ / SPG ના લાલજી પટેલ પાટીદારોના રાજકીય હિત મુદ્દે ભાજપ સામે લાલઘૂમ : ગોવિંદ ધોળકિયા મુદ્દે પણ આપ્યું નિવેદન

ખળભળાટ / SPG ના લાલજી પટેલ પાટીદારોના રાજકીય હિત મુદ્દે ભાજપ સામે લાલઘૂમ : ગોવિંદ ધોળકિયા મુદ્દે પણ આપ્યું નિવેદન

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના ) :  તાજેતરમાં ભાજપે ગુજરાતના ચાર સાંસદ પદ માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં સૌરાષ્ટ્રના બે તથા ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી એક એક ઉમેદવારના નામની જાહેરાત કરાઈ છે. ભાજપે રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝારીયા અને મુકેશ રાઠવા ના નામ ની જાહેરાત કરી છે. જોકે ભાજપે પાટીદારોનું પત્તું કાપીને જાણે પાટીદારોને કોઈ મોટો મેસેજ આપવાની પેરવી કરી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

 સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ છે કે, તાજેતરમાં જ પીએમ મોદીને વડોદરામાં સરદાર રત્ન એવોર્ડ સન્માનિત કરનારા પાટીદારોનું પત્તુ આ વખતે કાપી નાંખવામાં આવ્યું છે. આ વખતે રિટાયર્ડ થયેલા 4 સભ્યમાંથી નરહરી અમીન પાટીદાર ચહેરો હતા અને આ વખતે એકેય પાટીદાર નથી. 11 સીટમાંથી જે 7 સાંસદોની ટર્મ ચાલી રહી છે. તેમાં આંગળી ઊંચી કરવા રાખ્યા હોય એવા ગોવિંદ ધોળકિયા એક માત્ર પાટીદાર ઉદ્યોગપતિ છે.

 બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે તાજેતરમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ તેમાં પણ ભાજપે મોટા ભાગની મહત્વની સીટોમાં પાટીદારોનું પત્તું કાપ્યું છે. આ બાબતે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે મોર્નિંગ ન્યુઝ ફોક્સ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે " પાટીદારોના હિત માટે એસપીજી કામ કરી રહ્યું છે ત્યારે રાજકારણમાંથી પાટીદારોનો એકડો ભુસવાનો ભાજપ દ્વારા જે પ્રયાસ થઈ રહ્યો છે તેને ચલાવી લેવામાં આવશે નહીં. જો આમને આમ ચાલશે તો 2027 ની ચૂંટણીમાં પાટીદારો આ બાબતે મનોમંથન કરશે. પાટીદારોને થતા રાજકીય અન્યાયને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં." ગોવિંદા ધોળકિયા અંગે લાલજી પટેલે જણાવ્યું કે " તેઓ ઉદ્યોગપતિ છે તે પાર્ટીને મોટું ફંડ આપતા હોય એટલે સમ ખાવા પૂરતા તેમને રાખ્યા." હવે આગામી સમયમાં પાટીદારો આ મુદ્દે કેવી રણનીતિ બનાવશે તે જોવું રહ્યું !