PM મોદીની સલાહની અવગણના : ઊંઝા APMC આવ્યું ફરી ચર્ચામાં : ધારાસભ્ય અને સાંસદે 'હાથ ઊંચા કર્યા ' !

PM મોદીની સલાહની અવગણના : ઊંઝા APMC આવ્યું ફરી ચર્ચામાં : ધારાસભ્ય અને સાંસદે 'હાથ ઊંચા કર્યા ' !

ઊંઝા એપીએમસીમાં ચોપડા વિતરણ દરમિયાન ડિજિટલ પેમેન્ટનો ઇનકાર, ઉઠ્યા અનેક સવાલો

ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ઊંઝા એપીએમસીમાં માત્ર રોકડથી જ ચોપડા વિતરણ

પ્રધાનમંત્રીના ડિજિટલ પેમેન્ટના આગ્રહ સામે ઊંઝા એપીએમસીનું વલણ ચર્ચામાં

ચોપડા વિતરણમાં ડિજિટલ ચૂકવણી નહીં સ્વીકારાતા વિદ્યાર્થીઓ-વાલીઓમાં અસંતોષ

આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સભ્ય એ પણ ડિજિટલ પેમેન્ટ અંગે પૂછતા હાથ ઊંચા કર્યા 

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આપેલી સલાહને અવગણતા નેતાઓ ને હવે કોણ પાઠ ભણાવશે

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : વિદ્યાર્થીઓને રાહત દરે શૈક્ષણિક ચોપડાં ઉપલબ્ધ કરાવવાના હેતુથી ઊંઝા એપીએમસી દ્વારા દર વર્ષે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જોકે આ વર્ષે ચોપડા વિતરણ દરમિયાન માત્ર રોકડ (કેશ) રકમ જ સ્વીકારવામાં આવતી હોવાના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી માહિતી મુજબ ચોપડા લેવા આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ડિજિટલ પેમેન્ટ કરવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ એપીએમસી તંત્ર દ્વારા ડિજિટલ માધ્યમથી ચૂકવણી સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગે એપીએમસીના સેક્રેટરીએ પણ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવામાં નહીં આવે તેવું નિવેદન આપ્યાનું જણાવાય છે.

મામલે વધુ રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે આ મુદ્દે સ્થાનિક ધારાસભ્ય તથા સંસદ સભ્યનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે બંને જનપ્રતિનિધિઓએ આ બાબતે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હોવાનું અને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ઇન્ડિયાના અભિયાનને પ્રોત્સાહન આપવા માટે નાગરિકોને ખાસ કરીને યુવાનોને વધુમાં વધુ ડિજિટલ પેમેન્ટ અપનાવવા અપીલ કરી છે. ત્યારે જાહેર હિતના કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા દ્વારા ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવતાં અનેક પ્રશ્નો ઉભા થયા છે.

સ્થાનિક લોકો અને વાલીઓમાં એવી લાગણી જોવા મળી રહી છે કે જ્યારે સરકાર અને દેશના વડાપ્રધાન ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે એપીએમસી જેવી સંસ્થાઓએ પણ સમયાનુકૂળ વ્યવસ્થા અપનાવવી જોઈએ. હાલ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને એપીએમસી તંત્ર ડિજિટલ પેમેન્ટની સુવિધા શરૂ કરશે કે નહીં તેના પર સૌની નજર મંડાયેલી છે.