મહેસાણા : ' સમસ્યા છે ' મેયરનો સ્વીકાર પરંતુ ક્યારે ઉકેલાશે ? તેનો મેયર પાસે જવાબ નથી !
મહેસાણા શહેરના અનેક વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યા.
મેયરે સ્વીકાર્યું શહેરમાં પાણીની અછત હોવાની હકીકત.
પાણીની સમસ્યાનો ક્યારે ઉકેલ આવશે તેનો મેયર પાસે કોઈ જવાબ નથી
ગોળ ગોળ જવાબો આપીને મીડિયાના સવાલો ટાળવાનો મેયર નો પ્રયાસ
પૂરતા પ્રેસરથી પાણી ન મળતાં નગરજનો પરેશાન
પાણી પ્રશ્ને મહાનગરપાલિકા સામે નગરજનોમાં ભારે અસંતોષ.
ભૂગર્ભ ગટરોની પણ સમસ્યા હોવાની ચર્ચા
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : મહેસાણા શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીનો પ્રશ્ન દિવસેને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે. મહાનગરપાલિકાના અનેક વિસ્તારોમાં પૂરતા પ્રેસરથી પાણી ન મળતું હોવાની ફરિયાદો સતત ઉઠી રહી છે, જેના કારણે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની અછતને કારણે લોકોને ખાનગી ટેન્કરો મંગાવવાની ફરજ પડે તેવી સ્થિતિ નિર્માણ પામી રહી છે. એક તરફ લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ અસરકારક અને કાયમી ઉકેલ રજૂ કરવામાં આવ્યો નથી.
નોંધનીય છે કે મહાનગરપાલિકાના મેયરે પણ સ્વીકાર્યું છે કે શહેરમાં પાણીની સમસ્યા છે. જોકે, આ સમસ્યાના નિરાકરણ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબોમાં કોઈ સ્પષ્ટ રોડમેપ કે સમયમર્યાદા રજૂ ન થતાં નગરજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના કોર્પોરેટર અમિતભાઈ પટેલેનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા પાણી જેવી પાયાની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. ઉનાળાની શરૂઆતથી જ પાણીની તકલીફ હોવા છતાં તંત્ર દ્વારા સમયસર આયોજન ન કરવામાં આવતા આજે સ્થિતિ વધુ વિકટ બની છે.
નગરજનોની માંગ છે કે મહાનગરપાલિકા તાત્કાલિક અસરથી પાણી વિતરણ વ્યવસ્થામાં સુધારો કરે, ઓછા પ્રેસરવાળા વિસ્તારોમાં વિશેષ વ્યવસ્થા ઉભી કરે અને પાણી પ્રશ્ને જવાબદારી નક્કી કરીને કાયમી ઉકેલ લાવે. અન્યથા આગામી દિવસોમાં લોકોનો રોષ વધુ ઉગ્ર બને તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.