Dy.CM નીતિન પટેલના મહેસાણામાં જ છેલ્લા બે માસથી પ્રાંત અધિકારીની જગ્યા ખાલી : અરજદારો પરેશાન
મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એવા મહેસાણા ના ધારાસભ્ય નીતિન પટેલ દ્વારા રોજ-બ-રોજ વિકાસ કાર્યોને લઇને વાહ-વાહી લૂંટવામાં આવી રહી છે ત્યારે નોંધનીય છે કે મહેસાણા પ્રાંત કચેરીમાં છેલ્લા બે માસથી પ્રાંત અધિકારી ની જગ્યા ખાલી પડી છે. જેને લઇને અરજદારોને રોજ બરોજ ધક્કા ખાવાનો વારો આવ્યો છે. જોકે આ પ્રાંત અધિકારીનો ચાર્જ જેમને સોંપાયેલ છે તે અધિકારી ભાગ્યે જ અહી કચેરીમાં જોવા મળતા હોય છે. જેથી અરજદારોને સમય અને નાણાં વેડફી ને ધક્કા ખાવાનો વારો આવે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા પ્રાંત કચેરીમાં છેલ્લા દોઢ બે માસથી પ્રાંત અધિકારીની જગ્યા ખાલી પડી છે. અહીં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા વિમલ પટેલ ગાંધીનગર જતા અહીં જગ્યા ખાલી પડી છે જેને લઇને જમીનના કામો ઉપરાંત ઘણા બધા રેવન્યુ વિભાગના કામો અટકી પડ્યા છે. જોકે જમીન વિવાદની ઘણી બધી ફાઇલોનો ખડકલો પણ છેલ્લા ઘણા સમયથી થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે અરજદારો પોતાના સમય અને નાણાં વેડફીને કચેરી આવે છે ત્યારે તેમને ધક્કા ખાઈ અને પાછા જવાનો વારો આવે છે જેથી આ જગ્યા ઝડપથી ભરવામાં આવે તેવી ઉગ્ર માંગ છે.