સી.આર.પાટીલના ગઢમાં મોટું ગાબડું : પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની હાજરીમાં 400 થી વધારે લોકો AAP માં જોડાયા
મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : ગુજરાતમાં દિનપ્રતિદિન આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ ધીમે ધીમે વધી રહ્યું છે. એમાં ખાસ કરીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ગણાતા સી.આર.પાટીલના સુરતમાં આમ આદમી પાર્ટી મેદાન મારી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. સુરતના વિવિધ વિસ્તારોમાંથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ત્યારે આજે સુરતના અડાજણ વિસ્તારમાં 400 થી વધારે લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.
સુરતના અડાજણ ખાતે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયા ના નેતૃત્વમાં વિવિધ સંગઠનના 400 જેટલા લોકોના પ્રતિનિધિઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે, " વર્ષો સુધી ગુજરાતની જનતાએ ભાજપને મત આપ્યા, પ્રેમ આપ્યો જેના બદલામાં ભાજપે કોરોનાની મહામારી માં લોકોને મોતને ઘાટ ઉતાર્યા. એટલું જ નહિ પરંતુ પોલીસ પાસે ધોકા મરાવ્યા. ત્યારે ગુજરાતની જનતા માટે આજે એક મજબૂત અને ઈમાનદાર વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવી છે જેથી લોકો તેમાં જોડાઇ રહ્યા છે."
વધુમાં ઇટાલિયાએ જણાવ્યું હતું કે, "લોકોએ અગાઉ જે પ્રેમ ભાજપને આપ્યો હતો તેના કરતાં ચાર ગણા પ્રેમ સાથે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે." ભાજપ સામે પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, " ભાજપની વર્ષોથી એક નીતિ રહી છે કે લોકોને ડરાવવા, ધમકાવવા અને ન માને તેની સામે ખોટી ફરિયાદો કરવી. વર્તમાન સમયમાં આમ આદમી પાર્ટી અને લોકો તરફથી જે પ્રેમ મળી રહ્યો છે તે જોતા તો અતિશયોક્તિ ન લાગે તો આમ આદમી પાર્ટીને આગામી સમયમાં સરકાર બનાવતા કોઈ રોકી શકશે નહીં." તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.