આપણો દેશ આગામી સમયમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા જઈ રહ્યો છે : પીએમ મોદી
Mnf network: 'રાષ્ટ્રીય એકતા દિવસ' દેશભરમાં રાષ્ટ્રવાદના સંચારનો ઉત્સવ બની ગયો હોવાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, જેમ ૧૫ મી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાતો સ્વતંત્રતા પર્વનો કાર્યક્રમ, ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસનો પરેડ કાર્યક્રમ યોજાય છે તેમ હવે ૩૧મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં 'મા નર્મદા' ના કિનારે રાષ્ટ્રીય એકતાદિવસ કાર્યક્રમના સમન્વય થકી રાષ્ટ્રીય ઉત્થાનની ત્રિશક્તિ તરીકે પ્રસ્થાપિત થયા છે.
આવનારા ૨૫ વર્ષ ભારત માટે આ સદીના સૌથી મહત્વપૂર્ણ ૨૫ વર્ષ છે. આ ૨૫ વર્ષમાં આપણે ભારત દેશને વધુ સમૃદ્ધ અને વિકસિત દેશ બનાવવાની દિશામાં મક્કમ આયોજન કરવાના છે. અમૃતકાળમાં ભારતે ગુલામીની માનસિકતા છોડીને આગળ વધવાનો સંકલ્પ કર્યો છે. આપણે વિકાસ પણ કરી રહ્યા છીએ અને દેશના સમૃદ્ધ વારસાનું જતન પણ કરી રહ્યા છીએ.
આજે એવું કોઈ લક્ષ્ય નથી કે જે ભારત હાંસલ કરી ન શકે, એવો કોઈ સંકલ્પ નથી કે જે ભારતીયો સિદ્ધ ન કરી શકે. છેલ્લા નવ વર્ષમાં ભારત દેશે જોયું છે કે જો પ્રત્યેક વ્યક્તિ પ્રયત્નો કરે તો કશું જ અશક્ય નથી. સરદાર સાહેબની પ્રેરણાથી આપણે તમામ ઇચ્છિત લક્ષ્યો પાર પાડીશુ.મોદીએ ગર્વ સાથે જણાવ્યું કે, પ્રવર્તમાન અનેક વૈશ્વિક સંકટો વચ્ચે આપણા દેશની સીમાઓ સુરક્ષિત છે. ગર્વ છે કે આપણો દેશ આગામી સમયમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા જઈ રહ્યો છે. ગર્વ છે કે ભારત દેશ ચંદ્રની એ ધરી પર પહોંચ્યો છે જ્યાં આજ સુધી કોઈ દેશ હજુ પહોંચી શક્યો નથી. ગર્વ છે કે આત્મનિર્ભર ભારતમાં તેજસ ફાઇટર એરક્રાફટ અને ભારતીય નૌ સેના માટે વિક્રાંત પણ પોતાના દેશમાં તૈયાર થયુ છે. ગર્વ છે કે સ્પોર્ટ્સથી માંડીને વિશ્વમાં ટોચના સ્થાન પર ભારતીય છે. આજે સમગ્ર વિશ્વ ભારતના સંકલ્પની તાકાત, સૌ ભારતીયોની હિંમત-પ્રખરતા તેમજ ભારતીય નાગરિકોની જીજીવિષાને આદર અને વિશ્વાસથી જોઈ રહ્યું છે. એટલું જ નહિ, ભારતની અતુલ્ય અને અજોડ યાત્રામાંથી સમગ્ર વિશ્વ પ્રેરણા લઈ રહ્યું છે.
સરદાર સરોવર ડેમનું કામ પણ છ દશકાથી અટક્યું હતુ પરંતુ સૌના પ્રયાસથી આ કાર્ય પણ આપણે પૂર્ણ કર્યુ છે.