સત્ય, પ્રેમ અને કરુણા નોખાને અનોખા બનાવે
Mnf network: જીવન પૂર્ણ ત્યારે થશે જ્યારે તમે કોઈથી ડરો નહીં અને કોઈને ડરાવો નહીં. આ જ સુખી જીવનનો શ્રેષ્ઠ રસ્તો છે જેને જીવનભર જાળવી રાખવો હિતાવહ છે. આ ઉપરાંત પણ સુખી જીવનના કેટલાક ઉપાયો છે જેને હવે આપણે જોવાના છીએ.મનુષ્યજીવન મળી જ ગયું છે અને એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો હોય તો બહારની શુદ્ધિ માટે શ્રમ કરો, અંદરની શુદ્ધિ માટે ધર્મ કરો. અંદર જે કંઈ કરવાનું હોય છે એ ધર્મથી થશે.
આ બે સિદ્ધાંત છે. વિજ્ઞાન બહિર છે. વૈજ્ઞાનિકો બહુ શ્રમ કરે છે! માનસિક, બૌદ્ધિક અને શારીરિક; પણ ભીતર જે તત્ત્વજ્ઞાન છે એના માટે ધર્મ કરવો પડે છે. અંતઃકરણના અલંકારને પ્રાપ્ત કરવા ધર્મ જોઈએ જે અંતઃકરણને શુદ્ધ કરે છે. ધર્મ એટલે ધર્મ. એની આગળ પછી બીજા કોઈ વિશેષણની જરૂર નથી.
જીવનમાં જે કોઈ વ્યસનો છે એનાથી મુક્ત થવાનો પ્રયત્ન કરજો. જે વ્યસનો તંદુરસ્તી બગાડે, આર્થિક સમસ્યાઓ વધારે, પરિવારમાં અસંતુલન પેદા કરે, પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે એને છોડવાનો પ્રયત્ન કરવો એ માનવમાત્રની જવાબદારી છે. પાંચ સારાં પુસ્તકો ઘરમાં રાખો. ભોજન કરતી વખતે કોઈ દિવસ ઘરમાં તકરાર ન કરવી. પૂજા-પાઠ કરતી વખતે તકરાર ન કરવી, કંકાસ ન કરવો. સામર્થ્ય હોય એ પ્રમાણે દશાંશ કાઢો. તમારી આવકમાંથી તમારી આવડત અને શક્તિનો દશાંશ સમાજ માટે કાઢો. જો એ કાઢતા થયા તો ઈશ્વર આપોઆપ વધુ આવક પરિવારને આપવાનું શરૂ કરશે. પોતાનું તો પ્રાણીઓ પણ કરી શકે, પણ જે પોતાનું કરતાં-કરતાં અન્યની પણ સુખાકારી જુએ એનું નામ માણસ. માણસ તરીકેની જવાબદારી, માણસ તરીકેની ફરજનું પાલન કરો અને સાથોસાથ એ વાત પણ યાદ રાખો કે સત્યપ્રિય રહેવું.
દરેક માણસે શક્ય એટલું સત્યની નજીક રહેવું જોઈએ. જૈન ધર્મના પાયાના ચાર શબ્દોમાં સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ છે. એમાં ભગવાન મહાવીર દ્વારા બ્રહ્મચર્ય સ્વરૂપે પાંચમો શબ્દ ઉમેરવામાં આવ્યો.
માત્ર જૈન ધર્મમાં જ નહીં; પરંતુ ઇસ્લામ, સિખ, બૌદ્ધ, ખ્રિસ્તી જેવા વિશ્વના તમામ ધર્મમાં સત્યની આરતી ઉતારવામાં આવી છે. હિન્દુ ધર્મનો પાયો જ સત્ય છે માટે સત્ય એક વૈશ્વિક શબ્દ છે. વિશ્વભરના મહાપુરુષો અને ચિંતકોએ સત્યની તરફેણ કરી છે. નાસ્તિકો પણ અસત્યને ચાહતા નથી. સત્ય, પ્રેમ અને કરુણા એવા શબ્દો છે જે નોખાને અનોખા બનાવી શકે છે, અલગને લગોલગ લાવી શકે છેઅને એ જ કામ હવે સૌએ કરવાનું છે જો જીવનને સુખમય બનાવવું હોય તો.