IIT બોમ્બેના પૂર્વ વિદ્યાર્થીઓએ સિલ્વર જ્યુબિલી ઇવેન્ટ માટે 57 કરોડ એકઠા કર્યા
1998ની બેચના વિદ્યાર્થીઓએ 1971ની બેચ દ્વારા અપાયેલા 41 કરોડ રૂપિયાનો રેકોર્ડ તોડયો
વિદ્યાર્થીઓએ રકમમાં સૌથી વધારે યોગદાન આપ્યું તેમાં ઘણા દિગ્ગજનાં નામ સામેલ
એક બયાનમાં વિદ્યાર્થીઓએ કહ્યું આ યોગદાન 200 કરતાં વધારે પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અપાયું
Mnf network: ભારતીય તકનીકી સંસ્થા (IIT) બોમ્બેના 1998ની એક બેચના વિદ્યાર્થીઓએ સિલ્વર જ્યુબિલી ઇવેન્ટ માટે 57 કરોડ રૂપિયાનું ફંડ એકઠું કર્યું છે.
રિયુનિયન સેલિબ્રેશન માટે IIT બોમ્બેના 200થી વધારે પૂર્વ વિદ્યાર્થીઓએ આ યોગદાન આપ્યું હતું. જે પૂર્વ વિદ્યાર્થીઓએ આ રકમમાં સૌથી વધારે યોગદાન આપ્યું તેમાં ઘણા દિગ્ગજનાં નામ સામેલ છે. દાન આપનારાઓમાં પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ સિલ્વર લેકના એમડી અપૂર્વ સક્સેના અને પીક-એક્સવીના એમડી શૈલેન્દ્ર સિંહ જેવા લોકો સામેલ છે. આ બેચે ગોલ્ડન જ્યુબિલી ઇવેન્ટમાં 1971ની બેચ દ્વારા અપાયેલા 41 કરોડ રૂપિયાના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો છે. એક બયાનમાં વિદ્યાર્થીઓએ કહ્યું કે આ યોગદાન 200 કરતાં વધારે પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અપાયું છે.
નાણાનો ઉપયોગ AI લેબ બનાવવા થશે
IIT બોમ્બેના ડિરેક્ટર સુભાશિષ ચૌધરીએ કહ્યું કે 1998ની બેચના યોગદાનથી IIT બોમ્બેની વૃદ્ધિને ગતિ મળશે અને ઉત્કૃષ્ટતા માટેના અમારા સહિયારા લક્ષ્યમાં મદદ મળશે. ખાસ વાત એ છે કે IIT બોમ્બેની પૂર્વ બેચ દ્વારા મળેલી આ રકમ અત્યાર સુધીની સૌથી વધુ રકમ છે. આની પહેલાં 1971 બેચના વિદ્યાર્થીઓએ 41 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરી આપ્યું હતું. રિપોર્ટ અનુસાર, IIT બોમ્બે દ્વારા આ નાણાનો ઉપયોગ AI લેબ તૈયાર કરવા, હોસ્ટેલમાં સુધારો કરવા સાથે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા માટે કરવામાં આવશે.