સાયન્સ સિટીમાં વધુ એક આકર્ષણ ઉમેરાયું, CM ભૂપેન્દ્ર પટેલે મલ્ટીમીડિયા લેસર એન્ડ ફાઉન્ટેન શૉનું લોકાર્પણ કર્યું
Mnf network: 2005માં સાયન્સ સિટી ખાતે 10,000 ચોરસ મીટર વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજી સાથે શરૂ કરવામાં આવેલા આ મ્યુઝિકલ ફાઉન્ટેનના નવીનીકરણ બાદ દેશની સૌથી અદ્યતન સાઉન્ડ અને લાઇટ સિસ્ટમ સાથેનો નયનરમ્ય અને આકર્ષક મ્યુઝિકલ ફાઉન્ટેન મુખ્યમંત્રીએ જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2001માં 107 હેક્ટર વિસ્તારમાં નિર્માણ થયેલા સાયન્સ સિટીમાં દર વર્ષે એક-એક નવીન ગેલેરી અને નયનરમ્ય આકર્ષણો જોડવાની રાજ્ય સરકારે પરંપરા વિકસાવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે સાયન્સ સિટીના મ્યુઝિકલ ફાઉન્ટેનના નવીનીકરણની કામગીરી પૂર્ણ કરી છે.
50 મીટર ઊંચાઈની સેન્ટ્રલ વોટર જેટ, 800 જેટલી વિવિધ રંગબેરંગી લાઇટ્સ અને 15 કરતાં વધુ હાર્મોનાઈઝડ મ્યુઝિકલ પેટર્ન સર્જતી 600થી પણ વધુ નોઝલ સાથે આ ફાઉન્ટેન મુલાકાતીઓમાં આગવું આકર્ષણ જગાવશે.
૩6x16 મીટરની વૉટર સ્ક્રીન પર મલ્ટીમીડિયા લેઝર સાઉન્ડ શો સાથે 16x૯ મીટરની બે અન્ય સ્ક્રીન અને ૩D પ્રોજેક્શનમાં 70 મીટરની ૩ સ્ક્રીન દ્વારા મ્યુઝીકલ ફાઉન્ટેનનો નજારો લોકો માટે રોમાંચકારી બની રહેશે અને રાત્રીનાં સમયે આ ફાઉન્ટેન સમગ્ર વિસ્તારમાં રંગબેરંગી આકાશ જેવી આભા ઉપસાવશે.