ગુજરાતમાં 36 ટકા પ્લાસ્ટિકનો ઉપયોગ માત્ર પેકેજિંગમાં થાય છે

ગુજરાતમાં 36 ટકા પ્લાસ્ટિકનો ઉપયોગ માત્ર પેકેજિંગમાં થાય છે

Mnf network: ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતે 'સસ્ટેનેબલ પેકેજિંગ : રીથિંકિંગ પેકેજિંગ ફોર ગ્રિનર ટુમોરો' વિષય પર સેમિનાર તથા પ્રદર્શન યોજાયા હતા. પેકેજિંગના ઉદ્યોગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે તથા પ્લાસ્ટિક સિવાયના ટકાઉ મટીરીયલના ઉપયોગમાં વધારો થાય તે ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં પર્યાવરણની સુરક્ષા અને સંરક્ષણની દિશામાં આ પ્રકારના સેમિનાર મહત્વના સાબિત થશે. ગુજરાત માટે ઉત્પાદિત પ્લાસ્ટિકમાંથી આશરે 36 ટકાનો ઉપયોગ માત્ર પેકેજિંગમાં થાય છે. જેમાં ખાદ્યપદાર્થો અને પીણાના કન્ટેનર માટે સિંગલ-યુઝ પ્લાસ્ટિક ઉત્પાદનોનો સમાવેશ થાય છે. જેમાંથી લગભગ 85 ટકાનો લેન્ડફિલ કચરા તરીકે નિકાલ થાય છે. દેશના 70 ટકા રિ-સાયકલર્સ ગુજરાતમાં છે. ગુજરાત કચરામાંથી કંચન બનાવવાની માનસિકતા ધરાવે છે. ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગોમાં પ્લાસ્ટિકના કચરાના કો- પ્રોસેસિંગ માટેના 13 પ્લાન્ટ પણ છે.

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, સિમેન્ટ ઉદ્યોગોની પ્રાઇમ પ્રોડક્ટનું પેકેજિંગ બ્રાઉન પેપરમાં કરવામાં આવે છે જ્યારે ઓપીસી અને પીપીસી જે રેગ્યુલર ઉપયોગ માટે વપરાય છે તે પ્રકારની સિમેન્ટનું પેકેજિંગ પ્લાસ્ટિકમાં કરવામાં આવે છે. જો સિમેન્ટની તમામ પ્રોડક્ટનું પેકેજિંગ બ્રાઉન પેપરમાં કરવામાં આવે તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી સંતુલિત વિકાસમાં ખુબ મોટું યોગ દાન આપી શકાય. સિમેન્ટ પ્લાસ્ટિક તેમજ અન્ય ઉદ્યોગ જગતના અગ્રણીઓ આ સેમિનારમાં ઉપસ્થિત છે ત્યારે સાથે મળી સંતુલિત વિકાસનો રોડ મેપ તૈયાર થાય તે જરૂરી છે.