AAP ને ઝટકો : 100 થી વધુ યુવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો : પાટીલે આવકાર્યા
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ખૂબ જ સક્રિય બની ગઈ છે અને મત બેંક ને હાંસલ કરવા માટે જાતજાતના નુસખાઓ અપનાવી રહી છે. ત્યારે ગુજરાતમાં આ વખતે ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી એ પણ ચૂંટણીમાં ઝમ્પલાવવાની તૈયારી કરી લીધી છે.
આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ઠેર ઠેર સભાઓ કરી રહ્યા છે અને મફતની રેવડી વેચી રહ્યા હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે .ત્યારે સુરતના વરાછા-કરંજ-કામરેજ વિધાનસભાનાં આપ અને પાસનાં 100થી વધુ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે આ તમામ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી તેમનું અભિવાદન કર્યું હતું. અત્રે નોધનીય છે કે જે કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે એ લોકો આમ આદમી પાર્ટીની મફતની રેવડી થી કોઈપણ પ્રકારે લલચાયા હોય તેવું લાગતું નથી. એટલું જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા મફતમાં લ્હાણી કરવાની જે નીતિ છે તેની સામે ક્યાંક ને ક્યાંક તેઓ નારાજ હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપમાં જોડાનાર આ તમામ યુવાનોએ નરેન્દ્ર મોદીની કાર્યશૈલી પસંદ કરી છે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ દેશ આગળ વધીને વિશ્વગુરુ બની શકે છે એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.