નબળી કામગીરી વાળા ધારાસભ્યોની મુશ્કેલીઓ વધશે : સંગઠનમાં મોટા ફેરફારોની સંભાવના
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હીમાં પ્રધાનમંત્રીની મુલાકાત બાદ પરત આવતા અનેક રાજકીય અટકડો તે જ બની છે ત્યારે મીડિયા અહેવાલ અનુસાર પ્રદેશ સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ સાથે અનેક નવા ચહેરાઓને સમાવવા માટેની ભલામણો અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે. સંગઠનની સાથે સાથે પ્રદેશના મીડિયા સંકલન કરી રહી છે તે ટીમમાં પણ ધરખમ ફેરફારો આવી રહ્યાં છે. એ ઉપરાંત અન્ય મોરચાઓના પદાધિકારીઓ પણ બદલાય તેવી વકી છે. કેટલાક લોકોએ પાર્ટીનો સીડી તરીકે ઉપયોગ કર્યો છે તેમની હકાલપટ્ટી થશે તો નવાઇ પામવા જેવું નથી. પાર્ટીના હોદ્દાનો દુરપયોગ કરી પ્રોપર્ટી વસાવેલી છે તેવા નેતાઓ સંગઠનમાંથી દૂર થશે.
વધુ રેલીઓ યોજાશે....
સૂત્રોએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ કેટલીક બેઠકો ભાજપના આંતરિક સર્વેમાં નબળી હોવાની બાબત પણ સામે આવી છે. આ બેઠકોમાં પાર્ટીની સ્થિતિ મજબૂત કરવા માટે લોકસભા મતવિસ્તારોમાં વડાપ્રધાનની સભા, પ્રોજેક્ટ્સ ઇમ્પ્લિમેન્ટેશન તેમજ રેલી પણ યોજવામાં આવનાર છે.
સંગઠનમાં નવા ચહેરાઓને મળી શકે છે સ્થાન..
તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાનને લોકસભાની ચૂંટણીના સર્વેનું જે રિપોર્ટ કાર્ડ મળ્યું છે તેમાં પબ્લિક રેલી વધારે સંબોધવાની ભલામણ કરવામાં આવેલી છે. લોકસભામાં અપેક્ષા પ્રમાણેનું પ્રદર્શન થાય તે માટે સંગઠનમાં જૂના જોગીઓ સાથે કેટલાક નવા નેતાઓને સ્થાન મળે તેવી શક્યતા છે.
અધિકારીઓ પણ રડાર પર...
બીજીતરફ ગુજરાત સરકારમાં પણ કેટલાક અધિકારીઓની વિકેટ પડી જાય તેવી સંભાવના છે, જેમનો કુંડાળામાં પગ પડ્યો છે અને અભ્યાસક્રમ બહારની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે તેઓ હાઇકમાન્ડના રડારમાં આવી ચૂક્યાં છે તેથી તેમની સામે એક્શન લેવાય તેવી સંભાવના છે. એટલે કે ભાજપના પ્રદેશ સંગઠન અને સરકારમાં સરકારના આંતરિક સૂત્રોએ જણાવ્યું કેટલાક સૂચક બદલાવ સંભવ બન્યાં છે.
ભાજપના ધારાસભ્યો પર આઇબીની વોચ
ગુજરાતના ભાજપના જે ધારાસભ્યો પ્રથમવાર ચૂંટાયા છે અને જે નવા ચહેરા છે તેમની કામગીરીના મૂલ્યાંકન માટે સેન્ટ્રલ આઇબીના અધિકારીઓ સર્વે કરી રહ્યાં છે. એટલું જ નહીં રાજ્યમાં ભાજપ જે બેઠકો પ્રથમવાર જીત્યું છે તેના પર વર્તમાન ધારાસભ્યની કામગીરી રડારમાં આવી ચૂકી છે. લોકસભાની ચૂંટણી પહેલાં વિધાનસભા મતવિસ્તારમાં ભાજપ માટે કેવું વાતાવરણ છે તે જાણવાનો આઇબી પ્રયાસ કરશે, જેના આધારે લોકસભામાં હાઇકમાન્ડ વિક્રમી માર્જીનથી જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગી કરશે.