સુરત : ડે. મેયરે એવું તે શું કર્યું કે જે જાણીને AAP ના નેતાઓને લાગી શકે છે મોટો ઝટકો ?

સુરત : ડે. મેયરે એવું તે શું કર્યું કે જે જાણીને AAP ના નેતાઓને લાગી શકે છે મોટો ઝટકો ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : સુરત મહાનગરપાલિકામાં ભાજપના 97 કોર્પોરેટર તેમજ આમ આદમી પાર્ટીના 23 કોર્પોરેટરો ચૂંટાઈ આવતા વિકાસ કાર્યોને લઇને ભારે હોડ જામી છે. ત્યારે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા નગરસેવકોએ શરૂઆતમાં વિકાસ કાર્યોમાં ભારે ઉત્સાહ દાખવ્યો હતો જેની ચર્ચા ગાંધીનગર સુધી થવા લાગી હતી. પરંતુ સમય જતા આ નગર સેવકો ક્યાંકને ક્યાંક પોતાના વિસ્તારના પ્રજાકીય પ્રશ્નો ને હાલ કરવામાં ઉણા ઊતરી રહ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી સુરતના વેલંજા વિસ્તારમાં સ્થાનિકો અનેક સમસ્યાઓને લઈને ભારે દ્વિધામાં હતા. જોકે સ્થાનિક નગરસેવકોને પણ રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ કોઈ નક્કર પરિણામ જોવા મળ્યું ન હતું. અત્રે નોંધનીય છે કે આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પણ નગરસેવક છે, જેમને રોડ રસ્તા ને લઈને રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ જાણે આંખ આડા કાન કરાતા હોય તેવું જોવા મળ્યું હતું.

ત્યારે આ અંગે સુરતના ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી ને રજૂઆત કરવામાં આવી હતી. જોકે ડેપ્યુટી મેયર છેલ્લા કેટલાક સમયથી કોરોના ગ્રસ્ત હતા, ત્યારે કોરોના માંથી સાજા થયા બાદ આ વિસ્તારની સમસ્યાઓને હલ કરવાની ડેપ્યુટી મેયરે ખાતરી આપી હતી. ત્યારે સ્વસ્થ થયેલા ડેપ્યુટી મેયરે આજે એકાએક સુરતના આ વેલંજા વિસ્તારની મુલાકાત લીધી હતી. જો કે અહીંની એક શાળામાં યોજાયેલા વેક્સિનેશન કેમ્પમાં પણ તેમણે હાજરી આપી હતી. તેમજ અહીં સ્થાનિકોના જે પ્રશ્નો હતા એ તેમણેસાંભળ્યા હતા અને સાથે રહેલા અધિકારીઓને તાત્કાલિક આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સૂચનાઓ આપી હતી. આમ ડેપ્યુટી મેયરે આમ આદમી પાર્ટીના નગરસેવક જ્યાં ચૂંટાઈ આવ્યા છે એ વિસ્તારમાં જઈને સક્રિય કામગીરી હાથ ધરતા કદાચ આ સમાચાર સાંભળી આમ આદમી પાર્ટીના નેતાઓની ઝટકો લાગે તો નવાઈ નહીં !