કોરોનાનો કહેર : PM મોદીના સંસદીય મતક્ષેત્ર અને CM યોગીના જિલ્લામાં દિવસ રાત સળગી રહી છે ચિતાઓ, હકીકત જાણીને ચોકી જશો
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના hometown ગુજરાતમાં કોરોના ના કહેરને પરિણામે ક્યાંક હોસ્પિટલોમાં બેડ નહોતા મળતા, તો ક્યાંક વેન્ટિલેટર નો અભાવ હતો, તો વળી ક્યાંક ઇન્જેક્શનો ની કાળા બજારી ચાલી રહી હતી. આ ઉપરાંત ઓક્સિજનના અભાવને કારણે લોકો મોતને ભેટી રહ્યા હતા અને સ્મશાનો ઉભરાઇ રહયા હતા. ગુજરાતનું આ ડરામણું, ભયાવહ દ્રશ્ય હવે પ્રધાનમંત્રી મોદીના સંસદીય મત ક્ષેત્ર વારાણસીના અને યોગી આદિત્યનાથ ના જિલ્લામાં જોવા મળી રહ્યું છે.
મીડિયા અહેવાલો મુજબ, ઉત્તરપ્રદેશમાં કોરોનાનો કહેર વધતો જઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રથી લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જિલ્લાઓમાં સ્થિતિ વધુ વિકટ બની રહી છે. દર્દીઓને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા. જેને મળે છે તે ઓક્સિજનના અભાવને કારણે મોતને ભેટી રહ્યા છે. રાજ્યની લગભગ દરેક હોસ્પિટલમાં મોટી સંખ્યામાં વેન્ટિલેટર માટેની મુશ્કેલીઓ છે.
મળતી વિગતો મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં મોટા ભાગની હોસ્પિટલો કોરોના દર્દીઓથી ભરેલી છે. હવે નવા દર્દીઓ માટે સરળતાથી બેડ મળવાનું મુશ્કેલ થઈ ગયું છે. હોસ્પિટલો માં બેડની સાથે વેન્ટિલેટર અને ઓક્સિજનની મુશ્કેલી પણ વધુ પડી રહી છે. સત્તાવાર આંકડા અનુસાર અહીં કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા દરરોજ 10 થી 20 થાય છે, પરંતુ તેનાથી વિપરીત, સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનમાં મૃતદેહોની લાંબી-લાંબી લાઇનો લાગી રહી છે. ઘાટ પર અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. શહેરની અંદરના કબ્રસ્તાનો પણ ભરાઇ ગયા છે. હવે લોકો શહેરની બહારના વિસ્તારોમાં મૃતદેહોને દફનાવી રહ્યા છે.
તો વળી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જિલ્લા ગોરખપુરની સ્થિતિ પણ ઘણી સ્ફોટક છે. દરરોજ દર્દીઓ હોસ્પિટલ પરિસરમાં જ બેડ મળવાની રાહ જોતાં-જોતાં જ મૃત્યુ પામી રહ્યા છે. જિલ્લામાં કોરોનાના દર્દીઓ સારવાર માટે કુલ 1,500 બેડ છે, જેમાંથી દરરોજ લગભગ 15 બેડ ખાલી થાય છે. જો કે, દાખલ થનારાઓની યાદી લાંબી હોય છે. આમાંના લગભગ 10% દર્દીઓને વેન્ટિલેટર બેડની પણ જરૂર હોય છે, પરંતુ તે પણ મળતા નથી. સરકારના આંકડામાં મૃત્યુઆંક ભલે ઓછો હોય, પરંતુ સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનોમાં દિવસ-રાત અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.