Exclusive : ગુજરાતની રાજનીતિમાં આવી શકે છે મોટો ટ્વીસ્ટ ? 156 સીટ મેળવનાર ભાજપને ભાજપ નો જ ડર કેમ સતાવવા લાગ્યો ?

Exclusive : ગુજરાતની રાજનીતિમાં આવી શકે છે મોટો ટ્વીસ્ટ ? 156 સીટ મેળવનાર ભાજપને ભાજપ નો જ ડર કેમ સતાવવા લાગ્યો ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ' વિશ્વ ગુરુ ભારત ' ના સ્વપ્ન દ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની અસીમ લોકપ્રિયતાને કારણે ગુજરાતમાં ભાજપને 156 સીટ પર જીત હાંસલ થઈ છે. બીજી બાજુ ગુજરાતમાં કોંગ્રેસ લઘુમતીમાં આવી જતા વિરોધ પક્ષની ભૂમિકા માંથી પણ હવે બાકાત રહ્યું છે. તો 156 સીટ મેળવનાર ભાજપ જ હવે ભાજપ નો વિરોધ પક્ષ બની રહ્યું હોય એવું ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાતમાં રેકર્ડબ્રેક ૧૫૬ બેઠકોના વિજય બાદ ભાજપ સરકારે સત્તા સંભાળી હતી . કોંગ્રેસ - આપની જૂજ બેઠકોને લઇને ભાજપની ખુશીનો પાર નહોતો રહ્યો.પણ હવે ભાજપના ધારાસભ્યોએ જ ભ્રષ્ટાચાર સહિત વિવિધ મુદ્દાઓ ઉઠાવીને વિરોધ પક્ષની ભૂમિકા અદા કરવાનું શરૂ કર્યું છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીને મંત્રીપદમાંથી બાકાત રખાતા જ તેમણે તો વિવિધ મુદ્દાઓને લઇને સ૨કાર સામે મોરચો માંડ્યો છે . સુરત શહેરમાં એકેય લકઝરી બસ પ્રવેશે નહી અને શહેરમાં એસટીની સ્લિપર કોચ શરૂ કરવા માંગ કરતાં કાનાણીએ સરકારી તંત્ર સામે અવાજ ઉઠાવ્યો છે પરિણામે બસ સંચાલકો અને કાનાણી આમને સામને આવ્યા હતા . 

તો બીજી બાજુ અનામત આંદોલનકારીમાંથી ભાજપના ધારાસભ્ય બનેલાં હાર્દિક પટેલે પણ દેશી કપાસના તોલમાપમાં વેપારીઓ ખુલ્લેઆમ ખેડૂતોનુ શોષણ કરી રહ્યા છે ઉપરાંત દેશી કપાસને ટેકાના ભાવે ખરીદવામાં આવતો નથી. જેને લઈને હાર્દિક પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને ચીમકી ઉચ્ચારી છે કે જો આ પ્રશ્નનું સમાધાન નહીં આવે તો આંદોલન કરવામાં આવશે આમ હાર્દિક પટેલે સરકાર સામે ખુલ્લી ચીમકી ઉચ્ચારી છે.

તો બીજી બાજુ વડોદરામાં બરોડા ડેરીના ભ્રષ્ટાચારને લઈને ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે અવાજ ઉઠાવ્યો છે અને રીતસર તેઓ રસ્તા ઉપર ઉતર્યા છે.ગત વખતે આઈએએસ અધિકારીઓ કામ નહીં કરતા હોવાની ફરિયાદને લઈને તેમણે રાજીનામું ધરી દીધું હતું અને સરકારને દોડતી કરી દીધી હતી. ફરી એક વાર ડેરીમાં ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને કેતન ઈમાનદારે સરકારની પ્રતિષ્ઠા સામે આંગળી ચીંધી છે.આમ ભાજપના  ધારાસભ્યો જ વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.

તો વળી 2022 વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં પણ કેટલાક દિગજજોને હાસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા. બીજી બાજુ સંગઠનમાં પણ કેટલીક જગ્યાએ સ્થાનિક કક્ષાએ ભાજપમાં અંદરો અંદર ભારે ખેંચતાણ ચાલી રહી છે. ભાજપ જ ભાજપનો વિરોધ કરી રહ્યું છે. ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતા ઊંઝામાં શહેર ભાજપના ઉપપ્રમુખે ભાજપ શાસિત નગરપાલિકા પાસે રાષ્ટ્ર ધ્વજ રોપવાના ખર્ચને લઈને વિગતો માગતા ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયુ હતું. જો કે અનેક ઠેકાણે ભાજપમાં અંદરો અંદર જૂથવાદ વકરી રહ્યો છે. ત્યારે આ સંતોષ સપાટી પર આવી ન જાય તેનો ડર પણ ભાજપને સતાવી રહ્યો છે. ભાજપ જ ભાજપનો વિરોધ કરતું હોઇ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેની મજા લઈ રહી છે. ત્યારે હવે જોઈએ રહ્યું કે ગુજરાતની રાજનીતિમાં આગામી સમયમાં કોઈ મોટો ટ્વિસ્ટ આવી શકે છે કે કેમ ?