વિવાદ / ઊંઝા ભાજપમાં આંતરીક ડખો? : ગ્રામ્ય વિસ્તારની રાજનીતિના વધતા જતા પ્રભુત્વને અટકાવવાનો કારસો કે પછી .....?
સ્વ.ડો.આશાબેન પટેલના નેતૃત્વમાં ગ્રામ્ય વિસ્તાર નું ભાજપનું સંગઠન મજબૂત બન્યું છે.
આશાબેન પટેલે માત્ર ઊંઝા તાલુકાના જ નહિ પરંતુ વડનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાજપના સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : છેલ્લા કેટલાક સમયથી ઊંઝામાં ભાજપ ભાજપ વચ્ચે જાણે દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું હોય તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. ઊંઝા સીટ પર ભાજપના સિમ્બોલ પર જ્યારથી સ્વ.ડો. આશાબેન પટેલ ચૂંટણી લડીને જીત્યા હતા ત્યારથી કોઈના કોઈ પ્રકારે સતત ભાજપને જ બદનામ કરવાનો કારસો પડદા પાછળ રચાઈ રહ્યો છે. તાજેતરમાં ઊંઝાના ભાજપના પૂર્વ મંત્રી રહી ચૂકેલા નારાયણ પટેલે ભાજપ શાસિત ઊંઝા એપીએમસી સામે સિક્યુરિટી કૌભાંડનો મોટો આક્ષેપ કરતા ઊંઝાના રાજકારણમાં એક વાર ફરીથી ગરમાવો આવ્યો છે. જોકે શિસ્તમાં માનનારી ભાજપમાં ભાજપના જ નેતા એ સવાલ ઉઠાવતા ગણગણાટ શરૂ થયો છે.
સામાન્ય રીતે મોટાભાગની વિધાનસભાની સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની લડાઈ હોય છે. પરંતુ ઊંઝામાં માત્ર ભાજપની ભાજપ સામે જ લડાઈ હોય તેવું ચિત્ર સ્પષ્ટ બની રહ્યું છે. જોકે ભાજપના આંતરિક વિગ્રહનો ખાળવામાં જિલ્લા ભાજપ પ્રમુખ સદંતર નિષ્ફળ નીવડયા હોય તેવું લાગી રહ્યું છે.
છેલ્લા ઘણા સમયથી ઊંઝા એપીએમસી પર જ્યારથી ડો. આશા પટેલના નેતૃત્વમાં દિનેશભાઈ પટેલ ચેરમેન બન્યા ત્યારથી ઊંઝા એપીએમસીને આક્ષેપબાજી ની જાળમાં સતત વિવાદોના વમળમાં ઘેરવામાં આવી. આ ઉપરાંત ઊઝા નગરપાલિકામાં પણ પ્રથમવાર ડો. આશાબેન પટેલના નેતૃત્વમાં ભાજપની જીત થઈ ત્યાર બાદ પણ સતત ઊંઝા નગરપાલિકા કોઈના કોઈ કારણોસર સતત વિવાદોમાં ઘેરાયેલી રહી અને ભાજપમાં અનેક વાર આંતરીક વિગ્રહ સપાટી પર પણ આવેલો જોવા મળ્યો. ત્યારે હાલની ઊંઝા ભાજપની સ્થિતી જોતા એવું લાગે છે કે જો આ વિગ્રહને ખાળવામાં નહિ આવે તો કદાચ બે ની લડાઈમાં ત્રીજો ફાવી જાય તો નવાઈ નહીં !
હવે ઊંઝાના રાજકારણમાં ચાલી રહેલા વિવાદને વચ્ચે એવી ચર્ચાએ જોર પકડયું છે કે ક્યાંક ને ક્યાંક ડો. આશા પટેલના નેતૃત્વમાં ઊંઝા વિધાનસભા સીટ પર ગ્રામ્ય વિસ્તારની રાજનીતિના વધતા જતા પ્રભુત્વને ક્યાંક અટકાવવા માટે કોઇને કોઇ પ્રકારે આક્ષેપો કરીને તેમજ વિવાદો સર્જીને વર્તમાન સત્તાધિશો ને નબળા પાડવાનો પ્રયાસ કરાઇ રહ્યો હોય એવું ચર્ચાઈ રહ્યું છે. બીજી બાજુ ગુજરાતીમાં કહેવત છે કે 'ઘર ફૂટે ઘર જાય ' છે ત્યારે ઊંઝાની રાજનીતિમાં પણ ક્યાંક ને ક્યાંક આ કહેવત યથાર્થ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. જો ઊંઝા ભાજપના આંતરીક વિગ્રહને પ્રદેશ સપાટીએથી ઉકેલવામાં નહીં આવે તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કદાચ ભાજપે ઊંઝા ની સીટ ગુમાવવાનો વારો આવે તો પણ નવાઈ નહીં !