ઊંઝા તાલુકાના મકતુપુર ગામે હવે એટીએમ કાર્ડ થી માત્ર રૂપિયા જ નહીં મિનરલ પાણી પણ મળશે !

ઊંઝા તાલુકાના મકતુપુર ગામે હવે એટીએમ કાર્ડ થી માત્ર રૂપિયા જ નહીં  મિનરલ પાણી પણ મળશે !

એ.ટી.એમ કાર્ડથી સ્વયં-સંચાલિત મહેસાણા જીલ્લાનો પ્રથમ મિનરલ વોટર પ્લાન્ટ  મકતુપુર ગ્રામપંચાયત દ્વારા શરુ કરાયો 

રૂ.૨/- નું રેગ્યુલર ૧૦ લીટર તથા રૂ.૫/-નું ચિલ્ડ મિનરલ ૧૦ લીટર પાણી અપાશે.  

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા  :  ઊંઝા તાલુકાના મકતુપુર ગ્રામ પંચાયત દ્વારા ગામ લોકોને શુદ્ધ ઠંડુ મિનરલ પાણી એટીએમ કાર્ડ થી મળી રહે તે માટે મિનરલ વોટર પ્લાન્ટ શરુ કરવાનું આયોજન હતું જે બાબતે તલાટી કમ મંત્રી હિતેશ  પટેલ દ્વારા આધુનિક પધ્ધતિ એ.ટી.એમ કાર્ડ થી સ્વયં સંચાલિત નવીન મિનરલ પ્લાન્ટ નો પ્લાન ગામ સમક્ષ રજુ કરેલ.

જેમાં ગ્રામ પંચાયત દ્વારા ગામલોકોને એ.ટી.એમ કાર્ડ અપાશે જેનાથી ગ્રામજનો સ્વયંરીતે પ્લાન્ટમાંથી ઠંડુ તથા સાદુ મિનરલ પાણી મેળવી શકાશે તથા કોઈન (સિક્કા) થકી પણ પ્લાન્ટમાંથી સ્વયં પાણી મેળવવાની સુવિધા રહશે. જેનું સંપૂર્ણ સંચાલન ગ્રામ પંચાયત મકતુપુર દ્વારા થશે.

રૂ.૪ લાખના અંદાજીત ખર્ચ થી તૈયાર થનાર આ પ્લાન્ટ સ્વ.લક્ષ્મીબેન નાથાલાલ પટેલ (શાખે-નવેરીયા) ની સ્મૃતિમાં બનાવવા  દાતાશ્રી તૈયાર થતા ગ્રામ પંચાયતની સભામાં મંજુરી મેળવી પ્લાન્ટની કામગીરી શરુ કરાવેલ જેનું  લોકાર્પણ આજરોજ દાતાશ્રી.પટેલ નાથાલાલ મંગળદાસ ના હસ્તે મુખ્ય અતિથી માન.તાલુકા વિકાસ અધિકારી સા. ડો.ભાર્ગવી બેન વ્યાસ તથા તાલુકા સદસ્ય નયનાબેન પટેલની ઉપસ્થિતિ માં કરાયું હતું. આ પ્રસંગે ગ્રામજનો તથા વહીવટદાર/અધિકારી/કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા