Mission 2022 : પટેલ અને પાટીલના ગઢમાં ગાબડાં : 3000 થી વધુ AAP માં જોડાયા, ભાજપ થી છેડો ફાડવાનું શુ કારણ ? જાણો
સુરતમાં 1000 તો મહેસાણામાં 2000 લોકો AAP માં જોડાયા.
શિક્ષિત અને યુવા વર્ગ વધારે આપ માં જોડાઈ રહ્યો છે
ભાજપના નારાજ અને અવગણના થતી હોય તેવા કાર્યકરો પણ આપ માં જોડાઈ રહ્યા છે.
2022 ની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે ભાજપને પડી રહ્યો છે મોટો ફટકો
મોર્નિંગ ન્યુઝ ફોકસ,મહેસાણા : વિધાનસભાની 2022 ની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ મતદારોને કેવી રીતે આકર્ષી શકાય તે માટે પોતાની રણનીતિ ઘડવાનો શરૂ કરી નાખ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે થોડાક સમય પહેલાં ગુજરાતમાં આવીને રણશિંગુ ફૂંકતા જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં 182 સીટ ઉપર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા જઈ રહી છે.
ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ના નેતૃત્વમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ ધીમે ધીમે વધી રહ્યું છે. શિક્ષિત લોકો ભાજપ-કોંગ્રેસની ગંદી રાજનીતિથી તંગ આવીને આમ આદમી પાર્ટી નો ખેસ ધારણ કરી રહ્યા છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ગઢમાં આમ આદમી પાર્ટીએ મોટા ગાબડા પડ્યા છે. જેને લઇને ભાજપના નેતાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે.
જો કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નો ગઢ ગણાતા મહેસાણા માં પણ હવે આમ આદમી પાર્ટી નું સંગઠન મજબૂત બની રહ્યું છે. મહેસાણા જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જીગ્નેશ પટેલના નેતૃત્વમાં પંદર દિવસ જેટલા સમયમાં 2000થી વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જે ભાજપ માટે ખરેખર એક ખતરાની ઘંટી ગણી શકાય. જોકે હજુ પણ મહેસાણામાં ભાજપમાં મોટા ગાબડા પડી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરનાર ખાસ કરીને યુવા વર્ગને શિક્ષિત વર્ગ હોવાનું પણ જાણવા મળે છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ ભાજપના પ્રદેશ પ્રમુખ નો ગઢ ગણાતા સુરતમાંથી દિનપ્રતિદિન ભાજપના નારાજ કાર્યકરો કે જેમને ક્યાંકને ક્યાંક અવગણના થતી હોય કે હાંસિયામાં ધકેલાઈ ગયા હોય તેઓ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે. જોકે સુરતમાં છેલ્લા એક અઠવાડિયામાં એક હજારથી વધારે ભાજપના કાર્યકરોએ કમળ નો સાથ છોડી હાથમાં ઝાડુ પકડ્યું છે. ત્યારે ભાજપ શહેર પ્રમુખ ક્યાંકને ક્યાંક ભાજપમાં પડી રહેલ આ ગાબડાને ભરવામાં નિષ્ફળ નીવડયા છે. ત્યારે આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને મોટો ફટકો સુરતમાંથી પડી શકે છે.