ધારાસભ્યની કલેકટરને ધમકી : ઓક્સિજન આપો, નહીતો લોકો મૃતદેહ લઈ સીધા કલેકટર કચેરી આવશે
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : રાજ્યના મહાનગરોથી લઈને નાના-નાના તાલુકાઓ કે જિલ્લાઓમાં પણ કોરોનાની સારવાર મેળવવા લોકો ઝઝૂમી રહ્યાં છે. ક્યાંક બેડ ખૂટી રહ્યાં છે તો ક્યાંક ઓક્સિજનની અછત વર્તાઇ રહી છે તો ક્યાંક એમ્બ્યુલન્સની લાઇનો લાગતા દર્દીઓની બહાર જ સારવાર શરૂ કરી દેવાઇ છે તો ક્યાંક 108 સિવાય દર્દીઓને હોસ્પિટલ દાખલ પણ નથી કરી રહી.સરકાર સ્વાસ્થયલક્ષી સુવિધાઓ આપવામાં નિષફળ નીવડી છે.
ત્યારે તાજેતરમાં વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદારે જ CM રૂપાણી સામે કોરોના સારવારને લઈ નારાજગી વ્યક્ત કરી હતી.તાજેતરમાં સુરેન્દ્રનગર ના દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જિલ્લા કલેકટરને ટ્વિટ કરીને ચીમકી ઉચ્ચારી છે. CHCમાં પૂરતા ઓક્સિજનની વ્યવસ્થા ના થતા નૌશાદ સોલંકીએ જણાવ્યું કે, ‘જો ઓક્સિજનની વ્યવસ્થા નહીં થાય અને દર્દીનું મોત થશે તો હું તેના પરિવારજનોને મૃતદેહ લઈ કલેક્ટર કચેરી પર પહોંચવા આહવાન કરીશ.’
નૌશાદ સોલંકી એ સુરેન્દ્રનગરની દસાડા લખતર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની સાથે દસાડા તાલુકામાં પણ કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દસાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ કેર સેન્ટર દર્દીઓથી ભરાઇ ગયું છે. અહીંયા ઓક્સિજનની અછત સર્જાતા અનેક દર્દીઓના જીવ જોખમમાં હોવાની નૌશાદ સોલંકી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.બીજી બાજુ ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેક્શન પૂરતા પ્રમાણમાં ના હોઇ દર્દીઓના સગાંઓ પરેશાન થઈ રહ્યાં હોવાની પણ અનેક ફરિયાદો ઉઠી છે.