મુંબઈ : ભારે વરસાદના લીધે 4 માળની બિલ્ડિંગ ધરાશાયી, 11 નાં મોત, 8 ગંભીર રીતે ઘાયલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં બુધવારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થયું અને પહેલા જ દિવસે ભારે વરસાદથી દેશની આર્થિક રાજધાની તથા તેના ઉપનગરોમાં અનેક સ્થળો પર પાણી ભરાઈ ગયા જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું અને રોડ ટ્રાન્સપોર્ટેશનની સાથે લોકલ ટ્રેન સેવાઓ ઉપર પણ અસર પડી.
ત્યારે મુંબઈમાં ચોમાસાના આગમનની સાથે જ મોટી દુર્ઘટના બની છે. બુધવાર રાત્રે ભારે વરસાદના કારણે લગભગ 11 વાગ્યે મલાડ વેસ્ટમાં સ્થિત ચાર માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ. સ્થાનિક લોકો અનુસાર તેની સાથે જ આસપાસની અન્ય બે બિલ્ડિંગ પણ પડી ગઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 11 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. સાથોસાથ 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
બીજી તરફ, બચાવકર્મીઓએ કાટમાળમાંથી 15 લોકોને બચાવ્યા છે. તેમાં બાળકો અને મહિલાઓ સામેલ છે. ઘટના બાદ તરત જ ફાયરબ્રિગેડની ટીમ અને બીએમસીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લોકોને બચાવવા માટે ત્યાં તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. બીએમસીનું કહેવું છે કે દુર્ઘટના બાદ આસપાસની બિલ્ડિંગોને ખાલી કરાવી દેવામાં આવી છે. સાથોસાથ કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાહત કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.