મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ભાજપના અમદાવાદના અસારવાના ધારાસભ્ય પ્રદિપ પરમારની પોલીસવાળા સામે દાદાગીરીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો છે. જેમાં ભાજપના આ ધારાસભ્ય એક મવાલી જેવી ભાષાનો ઉપયોગ કરી પોલીસકર્મીને ખખડાવી રહ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે હું તમને સસ્પેન્ડ કરાવી દઈશ.
મીડિયા અહેવાલ મુજબ, ધારાસભ્ય પ્રદિપ પરમાર શાહીબાગ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઇંગ કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન ધારાસભ્ય પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને પોલીસ કર્મચારીઓ સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન ચાલુ કર્યું હતું. પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાવવાની ધમકી પણ ઉચ્ચારી હતી. આસપાસ એકત્ર થયેલા ટોળાને જણાવ્યું કે, ધોઇ નાખો સાલાઓને હું બેઠો છું.
વાઈરલ વિડીયોમાં જોઈ શકાય છે કે ધારાસભ્યે ASI નો હાથ ખેંચીને અહીં ઉભો રહે તેમ કહીને ખેંચ્યા હતા. જેથી ઉદેસિંહે કહ્યું કે, હાથ ન પકડશો, જેથી ઉશ્કેરાઇ ધારાસભ્યએ કહ્યું કે, હાથ શું બધુ પકડીશ. પછી કહ્યું કે, હું કહું ત્યાં અને તેવી રીતે ઉભુ રહેવાનું નહીતર સસ્પેન્ડ થઇ જશો. 2 મિનિટમાં પટ્ટા ઉતરી જશે, ઓળખો છો મને?
એ પછી ધારાસભ્યે પ્રદીપ પરમારે કોઈ અધિકારીને ફોન લગાવ્યો અને કહ્યું કે, ઉદેસિંહ નામના જમાદાર છે 3693 બક્કલ નંબર છે. તેઓ રાજસ્થાન હોસ્પિટલ તરફ દિવસમાં 50 વખત ક્રેન લઇને આવે છે. વાહન ટોઇંગ કરે છે. આટલું કહી તેમણે ASI ને ફોન પકડાવ્યો હતો. ASI ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે આસપાસ ઉભેલા લોકોને ઉશ્કેરતા ધારાસભ્યએ કહ્યું કે, ધોઇ નાખો સાલાઓને હું બેઠો છું.