ઊંઝા નગરપાલિકાના સક્રિય કોર્પોરેટરે ઉમિયાધામ મંદિરના ટ્રસ્ટીઓને લખ્યો પત્ર, જાણો શુ કરી માંગ
દીક્ષિત પટેલ છે સંઘ ભાજપના સૌથી જૂના સક્રિય કાર્યકર
નગરપાલિકાના સક્રિય કોર્પોરેટર છે જેઓ લોકોની મુશ્કેલીઓ ને લઈ સતત નગરપાલિકામાં રજૂઆતો કરે છે.
સત્તા પક્ષમાં હોવા છતાં વિરોધ પક્ષના લોકો પણ હંમેશા તેમના મિત્ર બની રહ્યા છે. જે તેમના સ્વભાવ અને કાર્યકુશળતા તેમજ સૌને સાથે લઈ ચાલવાની ભાવના ને પ્રતિબિંબિત કરે છે
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝા શહેરની સ્થાનિક સમસ્યાઓને સતત વાચા આપનાર એવા ઊંઝા નગરપાલિકાના સક્રિય કોર્પોરેટર દીક્ષિતભાઈ પટેલ દ્વારા તાજેતરમાં પાટીદારોની આસ્થા નું પ્રતિક એવા ઉમિયાધામ ઊંઝાના ટ્રસ્ટીઓને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં પ્રજાની અને આવનાર દર્શનાર્થીઓની મુશ્કેલીઓને લઈને એક મલ્ટીપરપઝ પાર્કિંગ બનાવવા માટે અનુરોધ કરાયો છે.
તેમણે પત્ર દ્વારા જણાવ્યું છે કે, કડવા પાટીદારોની કુળદેવી જગતજનની મા ઉમિયાજી પ્રત્યે દરેકની શ્રદ્ધા દિન -પ્રતિદિન સતત વધતી જાય છે . માતાજી સંસ્થાન પણ સક્રિય કામગીરી વડે સમગ્ર પાટીદાર સમાજમાં માતાજી પ્રત્યે આસ્થા વધે તે દિશામાં પ્રયત્નો કરે છે . જેના પરિણામ સ્વરૂપ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ મા ઉમિયાજી ના દર્શન કરવા રોજે રોજ આવે છે અને ધન્યતા અનુભવે છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે .
દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ઘણી બધી વખતે પોતાના વાહનો મૂકવા માટે પાર્કિંગની તકલીફ પડે છે . શ્રદ્ધાળુઓના ઘસારાના કારણે મંદિર પ્રાંગણ બહારનું અને અન્ય પાર્કિંગ સ્થળો પણ નાનાં પડતાં હોય છે . આ સમસ્યાના ઉકેલ માટે આપણે અધતન મલ્ટી સ્ટોરેડ ( બહુમાળી ) પાર્કિંગના વિકલ્પ બાબતે વિચારવું જોઈએ . આ મલ્ટી સ્ટોરેડ ( બહુમાળી ) પાર્કિંગ માટે આપણે ગુજરાત સરકારશ્રી પાસે આર્થિક સહાય માગી આ દિશામાં આગળ વધવું જોઈએ . મલ્ટી સ્ટોરેડ ( બહુમાળી ) પાર્કિંગ બને તો મંદિર પ્રાંગણનો વિસ્તાર ખુલ્લો રહી શકે . દર્શનાર્થીઓની અવર - જવર સરળ બની શકે તથા તે સમગ્ર વિસ્તારના રહીશો ને પણ પાર્કિંગના લીધે પડતી ટ્રાફિક સમસ્યાથી રાહત મળી શકે છે . રાજ્ય સરકારશ્રીની મદદ વડે મલ્ટી સ્ટોરેડ ( બહુમાળી ) પાર્કિંગની દિશા માં આપણે આગળ વધી શકીએ અને સમગ્ર ગુજરાતના બધા જ યાત્રાધામો પૈકી સૌ પ્રથમ ઊંઝા ઉમિયાધામમાં આપણે આ વિચાર સાકાર કરી શકીએ તે માટે પ્રયત્નો કરવા તેમણેનમ્ર વિનંતી કરી છે.