Exclusive: ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરી લાલ મહેતા શા માટે ઉતર્યા હતા ઉપવાસ પર ?

Exclusive: ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરી લાલ મહેતા શા માટે ઉતર્યા હતા ઉપવાસ પર ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : ઝવેરીલાલ મહેતા ગુજરાતના સૌથી શ્રેષ્ઠ ફોટો જર્નાલિસ્ટ હતા. તેમણે લીધેલા ફોટોગ્રાફ ની નીચે લખાતું કેપ્શન એ ફોટોને જીવંત બનાવી દેતું હતું. એક પત્રકાર તરીકે તેમની કારકિર્દી ખૂબ જ પ્રશંસની રહી છે. પ્રખર પત્રકાર જગદીશભાઈ આચાર્યએ ઝવેરીલાલ મહેતા સાથે જોડાયેલી કેટલીક મહત્વની યાદગાર ક્ષણો પૈકીનો એક પ્રસંગ તેમના ફેસબુક પેજ પર શેર કર્યો છે જેને અમો અહીંયા રજૂ કરીએ છીએ.

2001માં મહા વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે હળવદમાં પણ ખૂબ નુકસાન થયું હતું.42 લોકોના મૃત્યુ થયા હતા.પણ કચ્છમાં એટલો બધો વિનાશ થયો હતો કે હળવદ તરફ કોઈએ ધ્યાન ન આપ્યું.તંત્ર એ પણ તમામ તાકાત કચ્છ માં લગાવી દીધી હતી.હળવદની શેરીઓ તૂટી પડેલા મકાનોના કાટમાળ હટાવવાની પણ તંત્રે તસ્દી ન્હોતી લીધી.એ સ્થિતિ વચ્ચે ભૂકંપના 19 માં દિવસે હળવદની સ્થિતિ અંગેનો અહેવાલ તા.16 ફેબ્રુઆરી 2001 માં પ્રસિદ્ધ થયો.

અખબારમાં ભૂકંપ અંગે પ્રસિદ્ધ થયેલો હળવદ નો અહેવાલ

એ અહેવાલ વાંચીને ઝવેરીલાલભાઈનું હ્રદય દ્રવી ઉઠ્યું અને એ અહેવાલની નકલ સાથે તેમણે સાબરમતી આશ્રમ ખાતે 36 કલાકના ઉપવાસ કર્યા. કોઈ એક અખબારમાં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ ના પ્રતિભાવ રૂપે બીજા કોઈ અખબારના પત્રકારે ઉપવાસ આંદોલન કર્યું હોય તેવી પત્રકારત્વના ઇતિહાસની આ અજોડ ઘટના હતી.આ તેમની મહાનતા હતી.આવા સંવેદનશીલ હતા ઝવેરીભાઈ અને આવો હતો તેમનો વતન પ્રેમ.

હળવદ નો અહેવાલ વાંચી ઉપવાસ પર બેઠેલ ઝવેરીલાલ મહેતા અંગેના પ્રસિદ્ધ થયેલા સમાચાર ની નકલ

 તેમણે વિદાય લીધી ત્યારે 22 વર્ષ પહેલાંની આ ઘટના છે.જે હવે અમૂલ્ય સંભારણું બની રહી છે.તેમનું નિધન રડાવી ગયું.તેમની વિદાય સાથે ફોટો જર્નાલિઝમના સોનેરી યુગ નો અંત આવ્યો.પણ જેમણે દાયકાઓ સુધી દરેક સવારે તેમની ફોટો સ્ટોરી વાંચીને દિવસની શરૂઆત કરી હતી તેવા લાખો વાચકોની સ્મૃતિમાં તેઓ અમર રહેશે.

( આ અહેવાલ પત્રકાર જગદીશભાઈ આચાર્યના  facebook પેજ પરથી લેવામાં આવ્યો છે જેમાં જગદીશભાઈ આચાર્યએ ઝવેરીલાલ મહેતા ના પ્રસંગનું વર્ણન કરેલું છે.)